અમરેલી જિલ્લામા ભુતકાળમા એકલા રહેતા વૃધ્ધોના ઘરમા ઘુસી લુંટ ચલાવતી ટોળીઓનો ભારે ત્રાસ હતો. ચાર સભ્યોની આવી વધુ એક ટોળી સક્રિય બની છે અને ગઇરાત્રે બાબરાના ઘુઘરાળામા એક વૃધ્ધ દંપતિના ઘરમા ઘુસી કોશ વડે બંનેને મારમારી 30 ગ્રામ વજનની સોનાની કંઠી જેની કિંમત રૂ.૯૦ હજારની લુંટ ચલાવી હતી.
પાડોશી મદદ કરવા આવતા તેમના પર પથ્થરોના ઘા કરી હુમલો કર્યો
જિલ્લામાં એકલા રહેતા વૃદ્ધોને લુંટતી વધુ એક ગેંગ સક્રિય થતાં ફફડાટ : લુટારૂઓને પકડી લેવા પોલીસમાં દોડધામ
વિગતો મુજબ બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે ગઇકાલે મધરાતે એકાદ વાગ્યાના સુમારે ધીરૂભાઇ ખોડાભાઇ તાગડીયા (ઉ.વ.59) અને તેમના પત્ની લીલાબેન ગઇરાત્રે વાળુ કરી અગિયારેક વાગ્યાના પોતાના મકાનના વચ્ચેના રૂમમા સુઇ ગયા હતા. ત્યારે રાત્રે એક વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો મકાનની દિવાલ કુદી અંદર પ્રવેશ્યા હતા અને ગ્રીલનુ તાળુ લાખંડની કોશથી તોડી ઘરમા ઘુસી ગયા હતા.ઘરમા ઘુસતા જ તેમણે ધીરૂભાઇને માથામા કોશનો ઘા મારી ઇજા પહોંચાડી હતી અને તેમના પત્નીના ગળામા રહેલી કંઠી લુંટવાનો પ્રયાસ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો. જેથી આ શખ્સોએ તેમને પણ માથામા લોખંડની કોશ મારી ગંભીર ઇજા પહોંચાડી ગળામા પહેરેલી 30 ગ્રામ વજનની સોનાની કંઠી જેની કિંમત રૂ.૯૦ હજારની લુંટી ચાલવી હતી.
આ દરમિયાન રાડારાડ થતા પાડોશી મદદ માટે બહાર દોડી આવ્યા હતા. ત્યારે ચોથો લુંટારૂ તેમના ઘર બહાર પહેરો દેતો હતો. જેથી ચારેય શખ્સોએ મદદ માટે દોડેલા પાડોશીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામા પાડોશી મધુભાઇ હરીભાઇ તાગડીયાને પગમા ઇજા પહોંચી હતી. બાદમા ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી લુટારુઓની શોધખોળ હાથધરી છે.