પવનચક્કી યુનિટમાં વાહન કોન્ટ્રાકટનું મનદુ:ખના કારણે કારને આંતરી ધારિયા અને પાઇપથી તુટી પડયા: દસ સામે નોંધાતો ગુનો
અધિકારીઓના ડ્રાઈવરે હુમલાખોરો સાથે સંડોવાયાની શંકા
બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે પવનચક્કી યુનિટમાં વિઝીટ માટે નીકળેલા વીન્ડફાર્મ યુનિટ હેડ સહિત કુલ ત્રણ અધિકારીઓ પર કોન્ટ્રાકટના જુના મનદુખમાં રસ્તા પર કાર આંતરી 10 શખ્સો દ્વારા ધારિયા, લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરતા તમામને ગંભીર ઈજા પોહચત સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાં બેની તબિયત ગંભીર જાણવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે,અધિકારીઓના ડ્રાઈવરે જ અગાવથી હુમલાખોરોને બાતમી આપી દીધા હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
વિગત મુજબ ઈ.ડી.એફ.રિન્યુઅલ એનર્જી ઇન્ડિયા પ્રા લી.માં હેડ ઓફ ઇન્ડિયા એસેટ ઓપરેશન તરીકે નોકરી કરતા કવરજીતસીંઘ ઠાકરસીંઘ ચડ્ડા (રહે.ન્યુદિલ્હી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓમાં શિવકુ બહાદુર ગોવાળીયા (રહે.રાયપર તા.ગઢડા જી.બોટાદ),રજકુ બહાદુર ગોવાળિયા,હરેશ દડું ગીડા, મગલું બહાદુર ગોવાળિયા,વનરાજ વાળા,અજિત ગીડા,પ્રતાપ ગીડા,રવી ગીડા અને બે અજાણ્યા શખ્સોના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે,શિવકુ બહાદુર ગોવાળીયા વાળાને વર્ષ 2021 માં તેમની બાવન વીર એન્ટરપ્રાઈઝ નામક પેઢીને રાયપર તા.ગઢડા વિસ્તારમાં પવનચક્કી સિક્યુરીટી અને લાઈનમેન તથા વાહનો માટે કોન્ટ્રકટ આપવામાં આવેલો હતો.
જેમાં નક્કી થયા મુજબ કામો નહી કરતા તેમજ અવાર નવાર કંપનીના માણસો સાથે દાદાગીરી કરતા હતા. આ ઉપરાંત પોતાના મળતિયા સાથે મળી પવનચક્કી યુનિટ બંધ કરાવી એનર્જી પાવર ઉત્પાદન નુકશાન વાહનોમાં તોડફોડ કરતા હતા.આથી તે બાબતે રૂપિયા એક કરોડનું નુકસાન કર્યાની વિધિવત નોટીસ આપેલી હતી. તથા વર્ષ 2022ની સાલમાં કંપનીના માણસો રાયપર તા.ગઢડા વિઝીટમાં ગયેલા ત્યારે તેઓને માર મારેલ હતો. આથી જે તે સમયે ગઢડા(સ્વા) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બાબતનું મનદુ:ખ રાખી ગઈકાલ બપોર નાનીકુંડળ ગામે વિજીટમાં જતા હતા એ વખતે કંપનીની ઈનોવા કારમાં બેઠેલા કવરજીતસીંઘ ઠાકરસીંઘ ચડ્ડા રહે.ન્યુદિલ્હી,તેમજ સાથેના ઓમકારસીંઘ તથા કિશનકુમાર ઉપર ધારિયા ફરસી લોખંડના પાઈપ, લાકડી વડે હુમલો કરતા ફરીયાદીના બન્ને પગ ભાગી નાખી અનેક ફેક્ચરો કરી એક હાથ ભાગી નાખેલ હતો. તથા અન્યને માથાના ભાગે ગંભીર ઈજા કરી તેમજ મુંઢ માર મારવા સબબ મુખ્ય આરોપી શિવકુ બહાદુર ગોવાળીયા , રજકુ બહાદુર ગોવાળીયા, હરેશ દડુ ગીડા ,મંગળું બહાદુર ગોવાળીયા , વનરાજ વાળા, અજીત ગીડા, પ્રતાપ ગીડા ,રવી ગીડા, તેમજ બે અજાણ્યા ઈસમો સામે મારી નાખવાના ઈરાદે જાનહાનિ કરવા માટે પુર્વયોજિત કાવતરૂ કરવા મુદ્દે ફરિયાદ આપી છે.
આ બાબતે કંપનીના અધિકારીના ડ્રાઈવરે આ બધા હુમલાખોરોને અગાઉ જાણ કરી દીધી હતી આથી બધા હથિયાર લઈને છૂપાઈ ગયા હતા. જેવી કાર નીકળી એટલે કારને રોકાવી અધિકારીઓને કારની બહાર કાઢી આડેધડ મારવા લાગ્યા હતા. હાલ ઈજાગ્રસ્તો પૈકીના કવરજીતસીંઘ તથા કિશનકુમારની સ્થિતિ ગંભીર ગણાવાય રહી છે. બાબરા પોલીસ દ્વારા હુમલા ખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા છે.
પવનચક્કી ઉદ્યોગના જાણકારાના જણાવ્યા મુજબ બાબરા તાલુકામાં અંદાજીત 1500 જેટલા પવનચકકી યુનિટો ધમધમી રહ્યા છે .જેમાં ખેડુતોની જમીનમાં તેમજ ગૌચર જમીનોમાં વીજ લાઈન પસાર કરવા તથા કોન્ટ્રાક્ટ મુદ્દે અવાર નવાર બોલાચાલી બાદ મારામારી અને ફાઈરિંગ સુધીના અનેક બનાવો પોલીસ દફતરે નોંધાય છે .જયારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી અનિવાર્ય બની છે.