ચંદીગઢ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને યૌન શોષણ કેસમાં સજા મળ્યાં બાદ પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, ત્યારે આ રમખાણ માટે જવાબદાર આરોપીઓને પકડવા માટે પોલીસે પોતાનો ગાળિયો મજબૂત કર્યો છે. 25 ઓગસ્ટે રામ રહીમ અનેક લક્ઝરી ગાડીઓમાં કોર્ટ પહોંચ્યો હતો, જેમાંથી કેટલીક ગાડીઓને પોલીસ જપ્ત કરી હતી જે ડેરાના નામે રજીસ્ટર્ડ હતી. ત્યારે આ અંગે મળતી માહિતીઓના આધારે રામ રહીમના કાફલામાં કેટલાંક NRI લોકો પણ સામેલ હતા જેઓએ આ તોફાન કરાવ્યાં હતા. તો ડેરાની સંપત્તિ અંગે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આદેશ આપ્યાં છે કે આવકવેરા વિભાગ અને ED પણ ડેરાની આવક અને મની લોન્ડ્રિગના આરોપોની તપાસ કરે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, પંચકૂલા હિંસામાં જે 18 FIR દાખલ થઈ છે તેની તપાસ SIT પાસે કરાવવી જોઈએ. તેમજ પંજાબ અને હરિયાણા સરકાર સહાયની રકમ આપવા માટે ટ્રિબ્યૂનલની રચના કરે.
રામ રહીમની પ્રોપર્ટી અંગેનો રિપોર્ટ હરિયાણા સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો કે, “તે વાતની તપાસ કરવામાં આવે કે રામ રહીમ દ્વારા હોસ્પિટલ, સ્કૂલ અને અન્ય ઈમારતો કોની મંજૂરીથી બનાવવામાં આવી છે? આવકવેરા વિભાગ અને ED પણ ડેરાની આવક અને મની લોન્ડ્રિગના આરોપોની તપાસ કરે તે જરૂરી છે.”
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, “પંચકૂલા હિંસામાં જે 18 FIR દાખલ થઈ છે તેની તપાસ SIT પાસે કરાવવી જોઈએ. પંજાબ અને હરિયાણા સરકાર સહાયની રકમ આપવા માટે ટ્રિબ્યૂનલની રચના કરે.”
25 ઓગસ્ટે થયેલી હિંસામાં લગભગ 204 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જે રકમ સરકાર ડેરાની સંપત્તિમાંથી વસૂલ કરશે. ત્યારે આ ખર્ચ વધી પણ શકે છે કેમકે સરકારે લોકોને થયેલાં નુકસાનની વિસ્તૃત જાણકારી પણ માગી છે.હરિયાણામાં ફેલાયેલી રામ રહીમની પ્રોપર્ટીની કિંમત લગભગ 1600 કરોડ રૂપિયા છે.
રામ રહીમે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના ફેંસલાને પડકારતી એક અરજી કરી હતી. જો કે આ અરજી સંદર્ભે સુનાવણી થાય તે પહેલાં જ ટેકનિકલ વાંધામાં ફંસાય ગઈ છે.હાઈકોર્ટની રજીસ્ટ્રીએ ટેકનિકલ ઓબ્જેકશન કરી તેને યોગ્ય કરીને ફરીથી અરજી દાખલ કરવાના નિર્દેશ આપ્યાં છે.
રામ રહીમને મળેલી સજા બાદ 25 ઓગસ્ટે હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં કેટલાંક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. ત્યારે હિંસાગ્રસ્તોને પકડવા પોલીસે પોતાનો સકંજો મજબૂત કર્યો છે.
પોલીસને મળતી માહિતી મુજબ રામ રહીમના કાફલામાં આવેલા લોકોના ઈશારે આ હિંસા ફાટી હતી જેમાં કેટલાંક NRI પણ સામેલ હતા. આ NRI ઈટાલી અને ઓસ્ટ્રેલિયાથી આવ્યાં હતા.
પોલીસને પ્રાપ્ત થયેલી એક યાદીમાં કાફલામાં સામેલ ગાડીઓના માલિકના નામ, તેમનો મોબાઈલ નંબર, ડ્રાઈવરનું નામ, ડ્રાઈવરનો મોબાઈલ નંબર, ગાડીનું મોડલ, ગાડી ક્યાંથી આવી અને તેમાં કેટલા લોકો સવાર હતા સહિતની પૂરી જાણકારી છે.
આ લિસ્ટના આધારે પંચકૂલા પોલીસ રામ રહીમના કાફલામાં ગાડીઓના માલિક અને ડ્રાઈવરોની તલાશ કરી રહી છે. આ ગાડીઓમાં 25 ઓગસ્ટે હથિયારો પણ મળ્યાં હતા.
રામ રહીમના કાફલામાં સામેલ ગાડીઓમાંથી 8 ગાડી ડેરા સચ્ચા સૌદાના નામે રજીસ્ટર્ડ હતી. ત્યારે આ અંગેની સુચના અને સંબંધિત દસ્તાવેજ આપવા માટે પંચકૂલા પોલીસે ડેરા ચેરપર્સન વિપશ્યના અને ડેરા પ્રબંધનને નોટિસ પાઠવી છે.
પોલીસને ડેરાની આ ગાડીઓમાંથી કારતૂસ, આધુનિક હથિયાર, નાર્કોટિક્સ સહિત અનેક આપત્તિજનક વસ્તુઓ મળી હતી.
રામ રહીમને આ ગાડીઓમાં જ ભગાડવાનું ષડયંત્ર હતું. આ ગાડીઓમાં આવેલા ડ્રાઈવર અને સંદિગ્ધ લોકોને હરિયાણા પોલીસ શોધી રહી છે. આ લોકો ઘટનાસ્થળે જ ગાડીઓ છોડીને ફરાર થઈ ગયા હતા.