કોંગ્રેસે ૧૧ પૈકી ૩ દરખાસ્તોનો કર્યો વિરોધ: જનરલ બોર્ડમાં વર્ષ ૨૦૨૦-૨૧નું રૂ.૨૧૩૨ કરોડનું બજેટ ૩૯ વિરૂધ્ધ ૨૮ મતે મંજૂર

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે જબરી તુ તુ મેં મેં અને બબાલ વચ્ચે બજેટ બહુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ૧૧ દરખાસ્તો પૈકી ૩ દરખાસ્તો સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બોર્ડમાં વર્ષ ૨૦૨૦-૨૧નું ૨૧૩૨ કરોડનું ૩૯ વિરુધ્ધ ૨૮ મતેથી મંજૂર કરવામાં આવ્યું હતું. ભાજપના નગરસેવક કશ્યપભાઈ શુકલએ કોંગ્રેસના મહિલા નગરસેવિકા વિશે અંગત ટીપ્પણી કરતા એક તબક્કે બોર્ડમાં જબરો હોબાળો મચી જવા પામ્યો હતો. ભાજપના કોર્પોરેટરોએ બજેટને વિકાસલક્ષી ગણી તેને વખાણ્યું હતું. તો સામાપક્ષે બજેટ આંકડાની માયાજાળ અને ચૂંટણીલક્ષી હોવાનું કહી વખોડી કાઢયું હતું.

IMG 9362

જનરલ બોર્ડમાં બજેટ રજૂ કરતા સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટ, પીવાના પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા અને પાયાની સુવિધાઓને દ્રઢ બનાવતું રૂા.૨૧૩૨.૧૫નું કદ ધરાવતું બજેટ પ્રજાલક્ષી અને વાસ્તવિક છે. જેમાં શહેરીજનોની સુવિધા વધારવા માટે ૨૪ નવા યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં અંદાજો મુકવામાં આવતા હોય છે જે સાકાર ન પણ થાય છતાં ભાજપના શાસકો દ્વારા તેને સાકાર કરવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવે છે. આગામી નાણાકીય વર્ષમાં બજેટમાં વેરા વળતર યોજના મુકવામાં અવી છે. ડીઆઈ પાઈપ લાઈન નેટવર્ક, રોડ રસ્તાના કામો, અંડરબ્રિજ-ઓવરબ્રિજ, પર્યાવરણની સુરક્ષા માટે, એનીમલ હોસ્ટેલ માટે, વૃક્ષારોપણ માટે, ઓડિટોરીયમ અને નવા કોમ્યુનિટી હોલ માટે, હોકર્સ ઝોન માટે માતબર નાણાની જોગવાઈ કરવામાં આવી છે.

IMG 9337

સાથો સાથ કોર્પોરેટરની ગ્રાન્ટમાં પણ ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તો એકશન પ્લાનના કામ બમણા કરવામાં આવ્યા છે. રોડ  રસ્તાના કામ માટે કમિશનરે ૫૬ કરોડ સુચવ્યા હતા. જેમાં સ્ટે.કમીટીએ ૩૫ કરોડનો વધારો કરી ૯૧ કરોડની જોગવાઈ કરી છે. ટૂંકમાં એક પણ રૂપિયાના નવા કરબોજ લાદયા વિના વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

IMG 9355

વિપક્ષે એવો આક્ષેપ કર્યો હતો કે, બજેટ આંકડાની માયાજાળ છે, બજેટ ૬૦ ટકાએ પણ પહોંચતું નથી. ખાનગી શાળાઓને વેરામાં રાહત આપવાની દરખાસ્ત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત થીયેટર ટેકસ નિયંત્રણ કરવા, કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિના નિયમોમાં ફેરફાર કરવાની સહિતની દરખાસ્તોને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ૨ કલાકથી વધુ ચાલેલા બોર્ડમાં બજેટ ૩૯ વિરુધ્ધ ૨૮ મતે મંજૂર થયું હતું. ભાજપ અને કોંગ્રેસના એક એક નગરસેવકોએ રજા રિપોર્ટ મુકયા હતા. જ્યારે કોંગ્રેસના ૨ નગરસેવકો બોર્ડમાં ગેરહાજર રહ્યાં હતા.

ચાર વર્ષમાં ૧૮ વોર્ડમાં ૧૯.૯૮ અબજના વિકાસ કામો કરાયા: ઉદય કાનગડ

IMG 9309

સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે બજેટને જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મુકયા બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન ભાજપના શાસકો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની રૂપરેખા સભાગૃહ સમક્ષ રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ થી લઈ ૨૦૧૯-૨૦ સુધીના ચાર વર્ષના સમયગાળામાં ભાજપના શાસકો દ્વારા શહેરના તમામ ૧ થી લઈ ૧૮ વોર્ડમાં રૂા.૧૯૯૮ કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. ભાજપના શાસકોએ માત્ર પ્રજાની સુખાકરીને ધ્યાનમાં લીધી છે. કોંગ્રેસના વોર્ડમાં પણ કરોડો રૂપિયાના વિકાસ કામો કરાયા છે. લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ સહિતના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૫માં મહાપાલિકાની હદમાં ભળેલા કોઠારીયા અને વાવડી એટલે કે, વોર્ડ નં.૧૮માં સૌથી વધુ રૂા.૧૪૪.૮૫ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા નિરંતર ચાલુ રાખવામાં આવશે.

કશ્યપ શુકલે કોંગ્રેસ નગરસેવિકા વિશે ટીપ્પણી કરતા બોર્ડમાં હોબાળો

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને કશ્યપ શુકલએ કહ્યું ‘તમારૂ ઘરમાં ય ચાલતુ નથી’ અંગત ટીપ્પણી બાદ કોંગી મહિલા કોર્પોરેટરોએ કર્યો શુકલનો ઘેરાવ, માફી માંગવાની માંગણી

vlcsnap 2020 02 19 09h46m06s311

રાજકોટ મહાનગરપાલિકામા આજે મળેલ બજેટ બોર્ડ બેઠકમાં પણ હોબાળો મચ્યો હતો. ભાજપના સીનીયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલએ વોર્ડ નં.૧૩ના કોંગ્રી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર વિશે અંગત ટિપ્પટી કરતા બોર્ડમાં હંગામો મચી ગયો હતો. કોંગી નગર સેવિકાઓએ કશ્યમ શુકલનો ઘેરાવ કર્યો હતો અને આ ઘટનાને નારી શક્તિનું અપમાન ગણાવી ભાજપના નગરસેવક માફી માંગે તેવી માંગણી કરી હતી. જો કે, ત્યાં અધ્યક્ષ સ્થાનેથી બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરી વંદે માતરમનું ગીત વગાડવાની સુચના આપી દેવામાં આવી હતી.

જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો એકબીજા સામે આક્ષેપો, પ્રતિ આક્ષેપો કરી રહ્યાં હતા ત્યારે કશ્યપ શુકલએ વોર્ડ નં.૧૩ના કોંગી નગરસેવિકા જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરને એક મુદ્દા પર એવું કહ્યું હતું કે, તમારૂ ઘરમાં પણ કહીં ચાલાતું નથી, તો ચૂપ રહો. આ ઘટનાને કોંગ્રેસ નારી શક્તિનું અપમાન ગણાવ્યું હતું અને કશ્યપ શુકલ માફી માંગે તેવી માંગણી સો તમામ મહિલા કોંગી કોર્પોરેટરોએ કશ્યપ શુકલનો ઘેરાવ કર્યો હતો અને મેયરના મંચ સુધી પહોંચી ગઈ હતી. જ્યાં સુધી કશ્યપ શુકલ માફી નહીં માંગે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતા સભાઅધ્યક્ષ મેયર બિનાબેન આચાર્યએ તાત્કાલીક અસરી જનરલ બોર્ડની કામગીરી આટોપી હતી અને મુખ્ય એજન્ડાની કામગીરી હાથ પર લઈ વંદે માતરમનું ગાન શરૂ કરાવ્યું. બોર્ડની કામગીરી પૂર્ણ જાહેર કરી હતી.

દરમિયાન ભાજપના સીનીયર નગરસેવક કશ્યપભાઈ શુકલએ ખુલાસો આપતા જણાવ્યું કે, વાસ્તવમાં મે જાગૃતિબેન ડાંગર વિશે કોઈ ટીપ્પણી કરી નથી. મારો કહેવાનો મતલબ એવો હતો કે, આ બોર્ડ બજેટ છે જેમાં તમારા ઘરનું પણ ન ચાલે કે મારૂ પણ ન ચાલે, જે રીતે કાર્યવાહી થતી હોય તે જ થાય. જેનો ઉંધુ અર્થ લઈ લેવામાં આવ્યો છે. મેં નારી શક્તિનું અપમાન થાય તેવું કંઈ કહ્યું જ નથી તો માફી માગવાનો સવાલ જ ઉભો થતો નથી.

ભાજપના શાસકોને બજેટ બનાવતા આવડતુ નથી અવા જાણી જોઈને ખોટુ-મોટુ બનાવે છે: સાગઠીયા

બજેટ બોર્ડમાં આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ ભાજપના શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, મહાપાલિકાના ભાજપના શાસકોને કાંતો બજેટ બનાવતા આવડતું નથી અવા જાણી જોઈને બજેટ ખોટુ અવા મોટુ બનાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ૫૬ નવી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૩૪ યોજના હજુ શરૂ થઈ નથી. માત્ર ૨૨ યોજનાઓ જ શરૂ થઈ છે. જેમાં કેટલીક યોજનાઓમાં માત્ર ૨ થી ૫ ટકા જ કામ થયું છે. ગત વર્ષે બજેટ બોર્ડમાં મેં એવી જાહેરાત કરી હતી કે, જો બજેટમાં દર્શાવેલા કામોમાંથી ૮૦ ટકા કામ થશે તો હું ભાજપના શાસકોનું જાહેરમાં સન્માન કરીશ પણ અફસોસ કે મને આવું કાર્ય કરવાની તક ન મળી. બજેટમાં ૭ બ્રિજ સુચવવામાં આવ્યા હતા અને નાણાની જોગવાઈ કરાઈ હતી. જેમાં આમ્રપાલી બ્રીજનું કામ શરૂ થયું છે. ખાનગી શાળા-કોલેજને કરોડો રૂપિયા ટેકસમાં રાહત આપવાનું ષડયંત્ર ભાજપના શાસકોએ રચ્યું છે. ખાનગી શાળા પાસે રૂા.૨૩.૪૮ કરોડ બાકી નીકળે છે. રેગ્યુલર કરદાતાઓને ખોળ અને કરચોરી કરનારને ગોળ આપવાની નીતિ ભાજપના શાસકોએ અખત્યાર કરી છે.  દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની યોજનાઓ જાહેર કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં બજેટ ૫૦ ટકા એ પહોંચતું નથી તે વાસ્તવિકતા છે. મહાપાલિકાના ચોપડે હાલ ૮૫૧.૬૭ કરોડનું બાકી લેણું બોલી રહ્યું છે. જેની વસુલાત કરવા માટે ગંભીરતા દાખવવી જોઈએ. સરકારી મિલકતો પાસે વરો વસુલવામાં ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.