સેવાભાવી ભજનિક ગંગારામ વાઘેલા સાથે પાયલ ગોરીયા અને ઘ્વનિ વાઘેલાએ ભજનવાણીની રમઝટ બોલાવી
લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોના સંગ્રહ ‘સોરઠી સંતવાણીનું લેખન-કાર્ય પૂર્ણ થયું ને ૫૦ પાનાંના પ્રવેશકનાં પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં તેના બીજે દિવસે ૯ માર્ચ ૧૯૪૭નાં રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા. આ પ્રવેશકમાં સહુ પ્રથમ બાબા રામદેવ પીરના પટ્ટ-શિષ્ય હરજી ભાટી કૃત ‘વાગે ભડાકા ભારી ભજનનાનો ઉલ્લેખ છે. અવસાન પહેલાના છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન ઝવેરચંદ મેઘાણીનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું. આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા તેઓ સાંભળતા હતા. ‘લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે’ તેમ તેઓ લાગણીભેર કહેતા.
અમદાવાદ સ્થિત સરદારબ્રીજ મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વોટર્સ ખાતે વાલ્મીકિ સમાજ દ્વારા આયોજિત બાબા રામદેવ પીર મહોત્સવમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘સોરઠી સંતવાણીનાં પ્રાચીન ભજનો ગુંજયાં. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, અશોકબાપુ, રમેશભાઈ મેર, દશરથભાઈ રાણા, શારદાબેન સોલંકી, દિલીપભાઈ વાઘેલા, કિશોરભાઈ સોલંકી, જયેશભાઈ સોલંકી, ભગવાનભાઈ પુરબીયા, કિરણભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. યુવાનોની સવિશેષ હાજરી રહી.
સેવાભાવી ભજનિક ગંગારામ વાઘેલા સાથે પાયલ ગોરીયા અને ધ્વનિ વાઘેલાએ સંતવાણીની રમઝટ બોલાવી. વાગે ભડાકા ભારી ભજનના (હરજી ભાટી), ગુરુ તારો પાર ન પાયો (દેવાયત પંડિત), મેરૂ તો ડગે અને વીજળીને ચમકારે (ગંગાસતી), પાપ તારાં પરકાશ જાડેજા, જેસલ કરી લે વિચાર અને રોઈ રૂઈ કેને સંભળાવું (જેસલ-તોરલ), મેં તો સધ રે જાણીને તમને સેવિયાં (અમરમા), સાધુ તેરો સંગડો ના છોડું (ત્રિકમ સાહેબ), વનમાં તે મૂકી મુંને એકલી રે વણઝારા (કાજી મહમદશા), અજરા કાંઈ જર્યા નહીં જાય જેવાં પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજૂઆત થઈ. વાદ્ય-વૃંદ વિપુલ સોલંકી (બેન્જો), સચિન ગોરીયા (તબલા), જેકબ ઉસ્તાદ (ઢોલક), કનુભાઈ સોલંકી (મંજીરા)એ પણ બખુબી સાથ આપ્યો હતો. ઉપસ્થિત સહુએ બાબા રામદેવ પીરને ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી તથા ૩૫ વર્ષથી અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા સેવાભાવી ભજનિક ગંગારામ વાઘેલાનું અભિવાદન કરાયું. સહુની લાગણી નિહાળીને પિનાકી મેઘાણી ભાવુક થઈ ગયા હતા.
મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સંનિષ્ઠ પત્રકાર અને સ્વાતંત્ર-સેનાની ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યમાં વંચિત સમાજના શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે આથી વંચિત સમાજ એમના માટે સવિશેષ આદરભાવ ધરાવે છે. ફાંસીને દિવસે આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈના હાથની બનેલી ‘રોટી ખાવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરેલી. વાલ્મીકિ સમાજની આ ‘રોટીનું ઋણ અને મૂલ્ય આ દેશ ક્યારેય વીસરશે નહિ.