પંજાબ-હરીયાણા સરહદ સીલ: કલમ ૧૪૪ લાગુ: ડેરા સચ્ચા સોદાના સમર્થકોને શાંતિ જાળવવા મુખ્યમંત્રી ખટ્ટરની અપીલ: ડ્રોનથી પરિસ્થિતિ ઉપર રખાતી બાજ નજર

ડેરા આશ્રમની એક સાધ્વી સાથે યૌન શોષણના કેસમાં ડેરા મુખી શીરસાબાબા ગુરમીતસિંહ પર ૨૫મી ઓગષ્ટે ચુકાદો આપવામાં આવશે. આ સુનાવણી બાદ બાબાના સમર્થકો હિંસા આચરે તેવી દહેશતે સરકારે પંજાબ-હરિયાણા સરહદ સીલ કરી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ડેરા સચ્ચા સોદાના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. રાજયમાં અત્યારથી જ ૧૬૦૦૦ પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૪૭ સ્થળોને હાઈપર સેન્સેટીવ જાહેર કરાયા છે.હિંસા ફાટી નીકળે તેવી ભીતિથી તા.૨૫મીએ તમામ ખાનગી શાળાઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે. ચંદીગઢના સેકટર ૧૬માં આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટેમ્પરરી જેલ પણ બનાવવામાં આવી છે. રાજયમાં હાલ કુલ ૭૫ પેરા મીલીટરી ફોર્સની કંપનીઓ પહેરો છે. સમગ્ર પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવા ૧૩ ડ્રોનની મદદ લેવામાં આવી છે. હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં પરવાના વાળા હથીયારો જમા લઈ લેવાયા છે. માલવા વિસ્તારમાં અર્ધ સૈનિક દળોને કમાન સોંપી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીરથી પણ સુરક્ષા જવાનોની ટુકડીઓ આવી છે. આ કેસની વિગતો મુજબ અંદાજે ૧૫ વર્ષ પહેલા ડેરાના આશ્રમની એક સાધ્વીએ પીએમઓને ચીઠ્ઠી લખીને ડેરા બાબાની ફરિયાદ કરી હતી. સાધ્વીએ તેના પત્રમાં પોતાની અને આશ્રમની અન્ય સાધ્વીઓ સાથે યૌન શોષણ થતું હોવાનો આરોપ લગાવ્યો છે અને ત્યાર પછી આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ મામલે પણ અરજી દાખલ કરવામાં આવી છે.કોર્ટના આદેશ પર વર્ષ ૨૦૦૧માં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ કેસની દરેક માહિતી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ પંચફૂલાને સોંપી દીધી હતી. ત્યારપછી કોર્ટમાં બંને પક્ષ તરફથી દલીલ થઈ હતી અને અંતે કોર્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો જેની ૨૫ ઓગસ્ટે સુનાવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.