વરસાદના કારણે આજે અને કાલે યોજાનારો દિવ્ય દરબાર કાર્યક્રમ રદ કરવાની જાહેરાત
બાગેશ્વરધામના ગાદીપતી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલ ગુજરાતના પ્રવાસે છે ગત શનિવાર અને રવિવારે તેઓનો સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન આજે અને આવતીકાલે અમદાવાદના ઓગણજમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજવાનો હતો જે ભારે વરસાદ સહિતના કારણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
બાગેશ્વર ધામના પીઠાદીપતિ પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગત 27 થી 28 મેના રોજ સુરત ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો. આજથી બે દિવસ અમદાવાદના ઓગણજ ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજવાનો હતો. દરમિયાન ગઈકાલે અમદાવાદમાં અનરાધાર ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આયોજન સ્થળોએ વરસાદના પાણી ભરાય ગયા છે. દરમિયાન મંડપ પણ ઉખડી ગયા છે.
જેના કારણે તાત્કાલીક ફરી તમામ વ્યવસ્થા ગોઠવવી અસંભવ હતી. જેને ધ્યાનમાં રાખી આયોજકો દ્વારા આજે સવારે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે અમદાવાદ વાસીઓમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે.દરમિયાન આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટ ખાતે બાબાનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે અમદાવાદ ખાતેના કાર્યક્રમની નવી જાહેરાત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.