બાબાનું કોર્પોરેટ જગતને ‘શિર્ષાસન’
બાબા બન્યા ‘કોર્પોરેટ ગુરૂ’
ભારતના કોર્પોરેટ જગતમાં વધુ એક જાહેર ક્ષેત્રની કંપનીનાં ટેક ઓવરનાં વહિવટ સામે દેશના ઔધોગિક જગત અને રોકાણકારોનું ધ્યાન ખેંચાયું છે. યોગગુરૂબાબા રામદેવ હવે કોર્પોરેટ ગુરૂ બનવા જઈ રહ્યા હોય તેમ બાબાએ ૧૦ હજાર કરોડ રૂપિયાની માર્કેટ નેટવર્ક ધરાવતી રૂચી સોયા ૪૩૫૦ કરોડમાં હસ્તગત કરી છે અને રૂચી સોયાના ડિરેકટર બોર્ડમાં યોગ ગુરૂ સ્વામિ રામદેવ તેમના નાના ભાઈ રામ ભારત અને ખાસ નિકટવતી ગણાતા આચાર્ય બાલકૃષ્ણને કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરમાં નિયુકત કરવામાં આવ્યા છે.
આધુનિક વિશ્ર્વમાં જયારે કોર્પોરેટ જગત, ઉધોગોનો વિકાસ આસમાને આંબ્યો છે. અમેરિકા ઔધોગિક વિકાસ અને મલ્ટી નેશનલ કંપનીઓના અમાપ વેપાર-વ્યવહાર ઉધોગ અને નેટવર્કથી સમગ્ર જગત ઉપર આર્થિક આધિપત્ય ભોગવે છે. ભારતમાં પણ વિરાટ ઔધોગિક એકમો અને નાના ઉધોગો માટે વિશાળ તકો છે પરંતુ ભારતમાં કોર્પોરેટ જગતને ઔધોગિક વિકાસ અને રાષ્ટ્રની શકિત તરીકે વિકસાવવાના બદલે હિત સાધકો કોર્પોરેટ જગતનાં પ્રજાના પૈસાને પોતાની અંગત જાગીર સમજીને ભારતનું કોર્પોરેટ મેનેજમેન્ટ પબ્લીકના પૈસાને બાપુજીની પેઢી સમજીને વહિવટમાં બેઠેલા આલ્યા, માલ્યા, જમાલ્યા પ્રજાની મહેનતની કમાણીને કોર્પોરેટ જગતના વિકાસ અને રાષ્ટ્રની આર્થિક શકિત બનાવવામાં કામે લગાવવાના બદલે પોતાના મોજ-શોખ અને શહેનશાહની જીવનશૈલી અને પબ્લીકના પૈસાને બેફામ બની ઉડાડવાના દુષણથી ભારતનું કોર્પોરેટ જગત કયારેય બે પાંદડે થતું નથી.
વિશ્ર્વભરનાં કોર્પોરેટ જગતમાં રોકાણકારો પોતાના મૂડીનું સવાયુ વળતર મેળવે તે માટે નવા ઉધોગોમાં રોકાણ કરતા હોય છે. ભારતમાં પણ નવા ઉધોગ સાહસિકો અને કંપનીના આઈપીઓમાં બેસુમાર પૈસા નાના રોકાણકારો દ્વારા રોકવામાં આવે છે પરંતુ હજારો કંપનીઓમાંથી ગણી ગાંઠી આંગળીના વેઢે ગણાય એવી કંપનીઓ બે પાંદડે થાય છે. મોટાભાગની પબ્લીક સેકટરની કંપનીઓ મિસ મેનેજમેન્ટ અને નાણાના વ્યયના કારણે લાંબુ ટકી શકતી નથી અને સારી કમાણી કરતી હોવા છતાં મેનેજમેન્ટની લાપરવાહી અને પ્રજાના પૈસાને ધુળ ધાણી સમજનારા કોર્પોરેટ જગતનાં મેનેજમેન્ટ ગુરૂઓના નાણાકિય વહિવટ અને ગેરરીતિના કારણે સારી ચાલતી કંપની પણ પડી ભાંગે છે. ભારતનાં કોર્પોરેટ જગતમાં ખુબ જ ઓછા સમયમાં એક જાયન્ટ બિઝનેસ પર્સન્ટ તરીકે ઉભરી આવેલા યોગગુરૂ અને પતંજલિના સ્થાપક બાબા રામદેવ પોતાના આર્થિક સામ્રાજયનું કદ ૫૦ હજાર કરોડના ટન ઓવરનું સપનુ જોઈ રહ્યા છે. પતંજલિ દ્વારા મધ્યપ્રદેશના ઈન્દૌરની ખુબ જ સારી ચાલતી પણ સમય અને સંજોગોના થપાટનો માર ખાઈને નાદારીને આરે પહોંચી ગયેલી રૂ.૧૦ હજાર કરોડના નેટવર્ક ધરાવતી રૂચી સોયા પતંજલિએ ૪૩૫૦ કરોડમાં ટેક ઓવર કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯મી ઓગસ્ટે બોર્ડ ઓફ ડિરેકટરની રૂચી સોયાની મીટીંગમાં રામ ભારતીને મેનેજિંગ ડાયરેકટર તરીકે નિયુકત કર્યા હતા અને તેમને પાછળથી પૂર્ણકાલીન ડાયરેકટર તરીકે બહાલી આપી હતી. પતંજલિ આયુર્વેદ લિમિટેડ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ, દિવ્ય ફાર્મસી, પતંજલિ પરિવાર પ્રા.લી. અને પતંજલિ ગ્રામ ઉધોગ જૂથે નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી રૂચી સોયાની હસ્તગત કરી દીધી હતી. ગયા વર્ષે રામદેવની પતંજલિ આયુર્વેદે ૪૩૫૦ કરોડ રૂપિયા રૂચી સોયાને ટેક ઓવર કરવા માટે ચુકવ્યા હતા. ઈન્દોરની રૂચી સોયા સોયાબીન તેલના ઉત્પાદનમાં મહાકોર્ષ અને રૂચી ગોલ્ડના નામે બજારમાં ખુબ જ સારી નામના ધરાવતી હતી. ડિસેમ્બર ૨૦૧૭માં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા રૂચી સોયા સામે ડુબી ગયેલી લોનની વસુલાત માટે નાણાની પુન: વસુલી માટેની પ્રક્રિયાને લીલીઝંડી આપી હતી.
૪૩૫૦ કરોડની પતંજલિ ગ્રુપની ઓફરમાંથી ૪૨૩૫ કરોડ રૂપિયા ધિરાણ કરનારાઓ અને રૂ.૧૧૫ કરોડ રૂચી સોયાના સંચાલન માટે વાપરવામાં આવશે. પતંજલિ રૂચી સોયાની આ હરાજીમાં અદાણી વીલ મેલ (ફોર્ચ્યુન બ્રાન્ડ)ની પીછેહટ
બાદ બાબા આ ડિલ માટે સફળ થયા હતા.
ભારતના કોર્પોરેટ અને સહકારી ક્ષેત્રને વારંવાર ગેરવહિવટના માઠા પરિણામ ભોગવવા પડે છે
આધુનિક વિશ્ર્વમાં જયારે કોર્પોરેટ ક્ષેત્ર સર્વશકિતમાન ઔધોગિક સંચાલન ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ભારતની કમનશીબીએ સહકાર અને કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રજાના પૈસાને વેડફી નાખી ગેરવહિવટ કરનારા તત્વો સારી ચાલતી કંપનીઓને પણ ડુબાડી દે છે. પ્રજાના પૈસાની કિંમત ન સમજતા અને જાહેર મિલકતને પોતાના બાપની જાગીર સમજતા તત્વો વારંવાર આવા ખેલ પાડવામાં સફળ રહે છે. સારી ચાલતી કંપનીઓ પણ કુપાત્રના હાથમાં જઈને નાદાર બની જવાના અનેક દાખલા છે. સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો જૂનાગઢમાં એશિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદન સંકુલ ગ્રોફેડનું મિસ મેનેજમેન્ટનાં કારણે પતન થયું. સોરઠમાં રોજની એક-બે ગાડી મગફળી પીલનાર નાના મીલ પણ સારી રીતે ચાલે છે તેવા મગફળી પકવતા વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદન એકમ ગ્રોફેડ ભ્રષ્ટ રાજકારણી અને માલ ખાવ વહિવટીયાના પાપે પડી ભાંગ્યું. સહકાર અને કોર્પોરેટ ક્ષેત્ર વિશ્ર્વાસથી ચાલે છે ત્યારે ભરોસો તોડીને પાલનહાર જ કંપનીને ડુબાડે તો કોને કહેવા જેવી સ્થિતિ વારંવાર સર્જાય છે.