કાઉન્સીલિંગ દ્વારા 42 મહિલાઓને પરિવારજનો સાથે મિલન કરાવ્યું:
અત્યારસુધી કોઇપણ મહિલા કોરોના સંક્રમિત નહીં
‘બા નું ઘર’ મહિલા વૃઘ્ધાશ્રમ દેશનું એકમાત્ર મહિલા આશ્રમ ગૃહ કે જયાં કોઇપણ જ્ઞાતિ- જાતિનાં ભેદભાવ વગર, કોઇપણ ઉમરની બહેનો કે જેમને કોઇ રાખવા વાળા ન હોઇ કે હોઇ છતાં રાખતા ન હોઇ કે પછી સાવ નિરાધાર હોઇ, ભીખ માંગી જીવન ગુજારતા હોઇ અથવા આર્થિક પરિસ્થિતિ સારી ન હોઇ કે હોઇ, પોતાની પાસે આધાર કાર્ડ પણ હોઇ કે નહોઇ, આવા મહિલાઓને સંસ્થા ‘ઘરનું ઘર ’ મહિલા વૃઘ્ધાશ્રમમાં સાવ ફ્રી રાખવામાં આવે. જેમાં રહેવાનું, જમવાનું, કપડા, સાબુ, શેમ્પુ, ચપ્પલ જેવી તમામ જીવન જરુરી વસ્તુઓ પણ ફ્રી આપવામાં આવે છે. સંસ્થામાં મનોરંજન, લાઇબ્રેરી, રમતગમતનાં સાધનો, સંગીત સાધનો, ગીઝર, આરો, કુલર, જેવી તમામ આધુનિક સુવિધાઓ છે. સંસ્થામાં ઘર જેેવું જ વાતાવરણ ચોખ્ખાઇ, અને માયાળુ મહિલા સ્ટાફ હોવાથી ત્યાં નિરાધાર બહેનો પોતાનું જ ઘર સમજી રહી શકે છે. સાથે આ બહેનોને ખુબ જ સરસ વાતાવરણનાં કારણે અહી રહેતી બહેનો તેમના દુ:ખ દર્દ ભુલી જાય છે. સાથે તેમના હેલ્થ માટે યોગા, કસરત કરાવવામાં આવે છે. અને અક્ષર જ્ઞાન તેમજ તેમની રૂચી અને આવળત અનુસાર તેમને કામ પણ શીખાવવામાં આવે છે. અને કાઉન્સેલર દ્વારા તેમને કાઉન્સેલીંગ કરી સારું જીવન જીવતા શીખાવવામાં આવે છે. સંસ્થા આર્થિક મદદ કરી આ બહેનોને પગભર કરે છે, ત્યારબાદ તેમના સ્વજનોને બોલાવી તેમને પણ ગીતાબેન અને વિભાબેન વગેરેની ટીમ સમજાવે છે. જેથી આ બહેનોને તેમનો પરિવાર મનથી સ્વીકાર કરે છે અને પોતાના ઘેર લઇ જાય છે. અમુક બહેનોને સંસ્થા સારુ ઘર જોઇ લગ્ન પણ કરી આપે છે. જયારે આવી બહેનો કે જેને પોતાના ઘરના લોકોએ કાઢી મુકયા હોઇ અને એજ પરિવાર જયારે તેમને પોતાના ઘેર લઇ જાય ત્યારે તેઓની લાગણી જોઇ તેમની સાથે આપની આંખોમાં પણ આંસુ આવી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. આવું કાર્ય કરતું ‘બા નું ઘર’ મહિલા વૃઘ્ધાશ્રમ કોઇપણ નિ:સહાય બહેનોને પગભર કરી પોતાનીએ રીતે સ્વનિર્ભર બને અને સમાજના પ્રવાહ સાથે ભળે તેવું ઉમદા કાર્ય કરવામાં આવે છે.
નિરાધાર વૃદ્ધાઓને અમે સાચવીએ છીએ, તેમના મુખનું સ્મિત અમોને શક્તિ આપે છે:
મુકેશભાઈ મેરજા
માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઈ મેરજાએ જણાવ્યું કે માત્ર ને માત્ર બહેનો માટે બા નુ ઘર શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા જે કોઈ પણ બહેનો આવે છે તેમને તેના કૌશલ્ય પર તે કઈ રીતે આગળ વધી શકે તે અંગેની કામગીરી કરીએ છીએ. ખાસ તો આ જગ્યાને પાઠશાળા કહી શકાય. અહીંયા આવતી દરેક બહેનો નું સ્પેશિયલ કાઉન્સિલીંગ કરવામાં આવે છે ઉપરાંત તેઓ સ્થિત થાય બાદમાં તેમના પરિવારને બોલાવી ને તેમનું પણ કાઉન્સેલિંગ અહીં આગળ થાય છે. અત્યાર સુધીમાં 42 બહેનોને તેમના પરિવારજનો પાછા લઈ ગયા છે અમારી પાસે બે મેડિકલ ઓફિસર છે જે ગમે ત્યારે બોલાવીએ ત્યારે આવે છે કોરોના મહામારીમાં અમે દરેકને કોરોના નું કવચ પૂરું પાડ્યું છે કે જેથી બાના ઘરમાં એક પણ કોરોના નો કેસ આવ્યો નથી બાના ઘરમાં આવતી દરેક સ્ત્રીને આત્મીયતા આપવા માટે અહીંયાના સ્ટાફને કહેવામાં આવ્યું છે કારણકે ઘરથી તરછોડીને જે તે સ્ત્રી અહીંયા આવ્યા છે તેથી હવે તેમનું મનોબળ મજબૂત કરવાની જવાબદારી આપણી છે જેટલા બહેનો અહીંયા આવે છે ટૂથબ્રશ થી લઈને એમની જે કઈ પણ જરૂરિયાતો છે તે સંસ્થા પૂરી પાડે છે. અહીં સંસ્થા દ્વારા સ્ત્રીઓને માનસિક સહારો આપવામાં આવે છે જેથી તેમના દ્વારા અનેક દુઆ આપવામાં આવે છે અમારા થકી કોઈને લાભ થાય છે જેથી અમને સૌને ખૂબ જ ખુશી થાય છે. આધાર કાર્ડ, પાનકાર્ડ વિના પણ અમે મહિલાઓને આશરો આપીએ છીએ અને સારસંભાળ રાખીએ છીએ.
કાઉન્સીલિંગ કરી 42 મહિલાઓને ઘરે પોહચાડી:
ગીતાબેન પટેલ (પ્રમુખ, બાનું ઘર સંસ્થા)
બા નુ ઘર સંસ્થાના પ્રમુખ ગીતાબેન પટેલ જણાવ્યું કે કોરોના મહામારી અત્યારે ચાલી રહી હતી ત્યારે બાના ઘરમાં એક પણ કોરોના નો કેસ આવ્યો નથી. ખાસ તો બા નુ ઘર નામ એટલે અપાયું છે કે બા એટલે કે માં અને માં જેટલી હૂંફ અહીં મળી રહે તે માટે બા નુ ઘર શરૂ કરવામાં આવ્યું છે .બહેનોનો સાથ અને તકેદારી દ્વારા અમે કોરોના ને મહાત આપી છે .કોરોનાને બાના ઘરે લક્ષ્મણ રેખા ઓળંગવા નથી દીધી. દરેક બહેનોને જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર અહીંયા આશરો આપવામાં આવે છે .સવારથી સાંજ સુધી જે પણ વસ્તુની જરૂરિયાત હોય છે તે આપવામાં આવે છે.આ ઉપરાંત તમામ પ્રકારની દવાઓ પણ આપી તેમનું ધ્યાન રાખવામાં આવે છે.એક પરિવારના ભાવનાથી અહીં બધા હળીમળીને રહે છે.
કરોડપતિ હતી, ઘરનાએ તરછોડી, રેલવે સ્ટેશને ભીખ માંગતી હતી:
બીલકિસબાનું મીનાણી
છેલ્લા 3 વર્ષથી હું બા નું ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા બીલકિસબાનું એ રડતી આંખોએ પોતાની આપવીતી જણાવી હતી. બીલકિસબાનું ને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે.લગ્નજીવનને 20 વર્ષ થયાં બાદ તેના પતિએ તેને તરછોડ્યા.બાદમાં બીજા લગ્ન પણ કર્યા પરંતુ ત્યાં પણ 1 વર્ષમાં જ તેમના છુટાછેડા થયા બાદ તેઓ નિરાધાર બન્યા હતા. બીલકિસબાનુંએ જણાવ્યું હતું કે હું કરોડપતિ હતી.સોનુ પહેરીને નીકળતી ત્યારે લોકો સામું જોતા અને છેલ્લે મારુ ગુજરાન ચલાવવા હોટેલમાં વાસણ ઉટકવા જતી.બાદમાં ત્યાંથી પણ તેમને કાઢી મુક્ત રાજકોટ રેલવે સ્ટેશને ભીખ માંગવાનું કામ કરતા.બાનું ઘર વૃધ્ધાશ્રમ સંસ્થાના મુકેશભાઈ મેરજા અને ગીતાબેન પટેલને વાતની જાણ થતાં તેઓને બા ના ઘર વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવેલ.
બંને દિકરા વેલસેટ છે, પતિના અવસાન બાદ એકલવાયું લાગતા અહીં આવી:
પારૂલ બેન
મૂળ નડિયાદના અને દોઢ વર્ષથી બા ના ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા પરુલબહેને જણાવ્યું હતું કે મારે 2 દિકરા છે. બંને દિકરા વેલસેટ છે. પતિના અવસાન બાદ હું આખો દિવસ ઘરે એકલી રહેતી. દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફત મને બા નું ઘર વૃધ્ધાશ્રમ સંસ્થા વિશે માહિતી મળી.અહીં તમામ પ્રકારની નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે.કોરોના મહામારીમાં અમારે એક પણ કેસ બનેલ નથી. દર અઠવાડિયે ડોક્ટરને બોલાવીને મેડિકલ ચેકઅપ થાય છે.તમામ કાળજી અહીં રાખવામાં આવે છે. સમાજથી અને પરિવારથી તરછોડાયેલ અને એકલવાયું જીવન જીવતી તમામ 18 વર્ષથી ઉપરની મહિલાઓને આ સંસ્થા સાચવે છે અને તમામ સગવળો પુરી પાડે છે તે ખુબજ સરાહનીય બાબત છે.
મારી વહુ બાજકણી છે, એટલે અહીં આવી: મંજૂબેન
બા નુ ઘર આશ્રમમાં રહેતા મંજુબેનને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દોઢ વર્ષથી અહીંયા રહે છે. દીકરો અને દીકરી બંને છે તેની વહુ બાજકણી છે. એટલે માટે તેમનો દીકરો અહીં મૂકી ગયો છે.મંજૂબેને જણાવ્યુ હતુ કે મારા દીકરા નું ઘર ભાંગવામાં હું રાજી નથી. મારો દીકરો તો શ્રવણ જેવો છે મારી વહુ મને હેરાન કરે તોય પણ હું મારા દીકરાને કઈ કહેતી નહીં મારો દીકરો મારું ઘણું રાખે છે અહીંયા મહિને મહિને મને બી.પી. ની દવા પણ પહોંચાડી જાય છે. મારા દીકરાએ આ બા નુ ઘર આશ્રમ જોયુ હતું એટલે મને અહીંયા એ જ મૂકી ગયો.