- સ્ત્રી એટલે સ્વયં શકિત, સ્ત્રી શકિતને બિરદાવવા
- ‘સુવર્ણ વર્ષ સુવર્ણ ગાથા સન્નારીઓની’ વિચાર સાથે વિરાટ મહિલા સંમેલનમાં 10,000થી વધુ મહિલા ભકતોની ઉપસ્થિતિ
- 1200થી વધુ બાલિકા, યુવતીઓએ વિવિધ કૃતી રજૂ કરી
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તા.14 જૂન થી તા.10 જુલાઈ દરમિયાન રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિવિધ સાંસ્કૃતિક અને રસપ્રદ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમના રોકાણ દરમિયાન કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિતે બાલિકા, યુવતી તથા મહિલા પાંખ દ્વારા ’સુવર્ણ વર્ષે સુવર્ણ ગાથા સન્નારીઓની’ મધ્યવર્તી વિચાર સાથે વિરાટ મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ત્રી એટલે એવું પાત્ર જે ન હોય તો આ દુનિયા જ શક્ય નથી. સ્ત્રી એટલે સ્વયં શક્તિ. બીજી દરેક શક્તિઓ જેના દ્વારા આકાર પામે છે એ સ્ત્રી છે. આવી જ સ્ત્રી શક્તિને બિરદાવવા રાજકોટ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલા સંમેલનમાં 10,000 જેટલી નાની બાલિકાઓથી લઈને વયોવૃધ મહિલાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સંગીતજ્ઞ મહિલાવૃંદ દ્વારા ધૂન, પ્રાર્થનાં અને સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી. બાલિકાઓએ મંગલાચરણ દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું. ત્યારબાદ ’આનંદનો રંગ ઢોળો’ કીર્તન દ્વારા બાલિકાઓએ આકર્ષક નૃત્યકલા પ્રસ્તુત કરી હતી. ’સુવર્ણ વર્ષે સુવર્ણ ગાથા સન્નારીઓની’ વિષયક પ્રેરણાત્મક સંવાદ યુવતીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યકરોની સત્સંગ, સમર્પણ, સમજણ, સંપભાવનાનો સંદેશો પણ સર્વે પ્રાપ્ત કર્યો. જેમાં 2 વર્ષની બાલિકાથી લઈને 70 વર્ષની મહિલાઓ દ્વારા પ્રેરક પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેઓ છેલ્લા 1 મહિનાથી આ પ્રસ્તુતિ માટે જહેમત ઉઠાવી રહ્યા હતા. નાની બાલિકાઓ કે જેમણે સંસ્કૃતનો અભ્યાસ કરી વિશ્વ કક્ષાએ ક્રમાંક લાવી હતી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
નારીઓની પવિત્રતા, નિર્મળતા, સમર્પણભાવ અને સંસ્કારયુક્ત પ્રતિભાથી કોઈપણ યુગ દીપી ઉઠે છે તેનું સાક્ષાત ઉદાહરણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પ્રવૃત્તિ પૂરું પાડે છે. ઈ.સ. 1972 થી શરૂ થયેલ કાર્યકર માળખામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું અભિન્ન અંગ ગણાતી મહિલા પ્રવૃત્તિ એ એક એવું મંચ છે જ્યાં 28,915 જેટલા બાલિકા, યુવતી અને મહિલા કાર્યકરો અને સંપર્ક કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે.
આજે સાંજે 5:30 થી 8:00 દરમિયાન સંસ્થાના વિદ્વાન સદગુરુ સંતવર્ય પૂ.વિવેકસાગર સ્વામી ‘એક નિશાન અક્ષરધામ’ વિષયક કથાવાર્તા પારાયણનો લાભ આપશે. આજે ‘સંયમ દિન’ અંતર્ગત પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વર્તમાન સમયમાં યુવાનોની સમસ્યાને વર્ણવતી વિશેષ પ્રસ્તુતિ યોજાશે અને અંતમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે.