શાપરથી રાજકોટ સંબંધીને મળવા આવેલા યુવાનને નડયો જીવલેણ અકસ્માત.
શહેરમાં આજીડેમ ચોકડી પાસેથી શાપરના બે યુવાન બાઈક પર પસાર થતા હતા ત્યારે સામેથી આવેલી છકડો રીક્ષાએ ઠોકરે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જયારે બાઈક પર સવાર બીજા યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેર નજીક આવેલા શાપરમાં રહેતા અને કારખાનામાં કામ કરતા જગદિશ દેવાયતભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) અને અન્ય બાવાજી યુવાન આજીડેમ ચોકડી પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા છકડો રીક્ષા ચાલકે બાઈકને ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાયેલા ચાલક બાવાજી યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જયારે જગદિશને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બંને યુવાનો શાપર કારખાનામાં કામ કરતા હોય અને બાવાજી યુવાનના સંબંધીને મળવા રાજકોટ આવ્યા ત્યારે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ચાલકે ઠોકરે લેતા એકઠા થયેલા લોકોએ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ના તબીબે ઘટના સ્થળે જઈ જોઈ તપાસી બાવાજી યુવાનને મૃત જાહેર કર્યો હતો. જયારે જગદિશને શરીરે ઈજાઓ થતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.