આઝાદ હિંદ ગોલામાંથી ખોરા કાજુ, પીસ્તા, કિસમીસ અને વાસી માવા-રબડીનો જથ્થો પકડાયો: નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૨૧ રસના ધંધાર્થીઓ અને ગોલાવાળાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત ગોલાવાળાઓ ડિસ્પોઝેબલ ચમચીનો ધોઈને ફરી ઉપયોગ કરતા હોવાનું કારસ્તાન પકડાયું હતું.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરના તુલસીબાગ મેઈન રોડ, સોમનાથ સોસાયટી, ગોપાલ ચોક, નાનામવા મેઈન ચોક, સાધુ વાસવાણી રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ઢેબર રોડ, જુની ખડપીઠ, કોઠારીયા નાકા, પેલેસ રોડ, પ્રહલાદ પ્લોટ મેઈન રોડ, ભુપેન્દ્ર રોડ, સદર બજાર અને એસ.ટી.બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ૨૧ રસના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફુડ લાયસન્સ ન હોવાના કારણે તમામને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત ત્રિકોણબાગ પાસે આઝાદ હિંદ ગોલાવાળાને ત્યાં ચેકિંગ દરમિયાન ગોલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો અને માવા રબડી અનહાઈજેનિક કંડીશનમાં મળી આવતા ૫૭ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સ્થળ પર ફુડ લાયસન્સ ન હોવાની અને અનહાઈજેનિક કંડીશનમાં બરફનું સ્ટોરેજ કરવામાં આવતું હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. ગોલામાં નાખવા માટે વપરાતા કાજુ, પીસ્તા અને કિસમીસ પણ ખોરા હોવાનું જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ગોલા સાથે આપવામાં આવતી ડિસ્પોઝેબલ ચમચીને ધોઈને રીયુઝ કરવામાં આવતી હોવાનું પકડાયું હતું. સાધુ વાસવાણી રોડ પર અક્ષર ગોલા વીથ આઈસ્ક્રીમમાં સ્થળ પર ફુડ લાયસન્સ ન હોવાથી તથા અનહાઈજેનીક કંડીશનમાં બરફનું સ્ટોરેજ કરવામાં આવતું હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં પણ ગોલામાં આપવામાં આવતી ડિસ્પોઝેબલ ચમચીને ધોઈને રીયુઝ કરવામાં આવતી હોવાનું પકડાતા તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,