- કોરોનામાં લોકોનું સરેરાશ આયુષ્ય 70.9 રહ્યા બાદ અત્યારે 73.3 વર્ષે પહોચ્યું: 2083 સુધી મૃત્યુદર ઘટશે, જન્મદર વધશે: સંયુક્ત રાષ્ટ્રએ જનસંખ્યાને લઈને જાહેર કર્યો અહેવાલ
- કોરોના બાદ લોકોનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે. વિશ્વના લોકોનું સરેરાશ આયુષ્ય આગામી 20 વર્ષમાં 77 વર્ષને પાર થઈ જશે. જેથી વૃદ્ધોની સંખ્યામાં સતત વધારો આવતો રહેશે. તેવુ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જાહેર કરાયુ છે.
અહેવાલમાં જણાવાયુ છે કે કોરોના રોગચાળા દરમિયાન વિશ્વમાં લોકોની સરેરાશ આયુષ્ય 70.9 વર્ષ હતું. ત્યારબાદ અત્યારે 2024માં આ 73.3 વર્ષે પહોચ્યું છે. મૃત્યુ દરમાં વધુ ઘટાડાથી 2054માં વૈશ્વિક સ્તરે સરેરાશ 77.4 વર્ષનું સરેરાશ આયુષ્ય આવવાનો અંદાજ છે. 2050 ના દાયકાના અંત સુધીમાં, તમામ વૈશ્વિક મૃત્યુમાંથી અડધાથી વધુ મૃત્યુ 80 કે તેથી વધુ વર્ષની વયે થશે, જે 1995માં 17% થી નોંધપાત્ર વધારો થયો છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2080 સુધીમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો કરતાં વધી જશે.
યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે જે દેશોની વસ્તી તેની ટોચ પર છે અથવા ટૂંક સમયમાં તેની ટોચે પહોંચવાની છે તેઓએ તમામ વય જૂથોમાં ઉત્પાદકતા વધારવા માટે ઓટોમેશન અને અન્ય તકનીકનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે જીવનભર શીખવા અને પુન:પ્રશિક્ષણ માટે વધુ તકો ઉભી કરવી જોઈએ, મોટી ઉપરના કર્મચારીઓને ટેકો આપવો જોઈએ અને જેઓ કામ કરવા ઈચ્છે છે અને કરી શકે છે તેમના માટે કાર્યકારી જીવન વધારવાની તકો પૂરી પાડવી જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1990ની સરખામણીમાં મહિલાઓ હવે સરેરાશ એક ઓછા બાળકને જન્મ આપી રહી છે. અડધાથી વધુ દેશોમાં સ્ત્રી દીઠ સરેરાશ જન્મ દર 2.1 કરતા ઓછો છે, જે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી છે. ચીન, ઇટાલી, રિપબ્લિક ઓફ કોરિયા અને સ્પેન જેવા વિશ્વના દેશો અને પ્રદેશોના લગભગ એક-પાંચમા ભાગનો જન્મ દર હવે ખૂબ ઓછો છે, જેમાં સ્ત્રી દીઠ 1.4 કરતાં ઓછા બાળકો જન્મે છે.
2062માં ભારતની વસ્તી રેકોર્ડબ્રેક 170 કરોડે પહોંચશે
આજે ભારતની વસ્તી 142 કરોડ હોવાનું કહેવાય છે અને અનુમાન છે કે આગામી 38 વર્ષમાં તેમાં ઘણો વધારો થઈ શકે છે. યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી 2062માં તેની ટોચે પહોંચવાની સંભાવના છે, જેનો અંદાજ 170.1 કરોડ છે. મતલબ કે આગામી 38 વર્ષમાં દેશની વસ્તી તેની ટોચે પહોંચી જશે. નિષ્ણાતોના મતે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આ સ્થિતિ સદીના અંત સુધી રહેવાની શક્યતા છે.
ભારતમાં 2063થી વસ્તી ઘટવા લાગશે
યુનાઈટેડ નેશન્સ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જાન્યુઆરી અને જુલાઈ 2062 વચ્ચે ભારતની વસ્તીમાં ઘટાડો થવાનું શરૂ થશે. જો કે, આ વર્ષે જ ભારતની વસ્તીમાં લગભગ 222,000 લોકોનો ઉમેરો થશે. ત્યાર બાદ ભારતની વસ્તી ઘટવા લાગશે. 2063 માં, દેશની વસ્તીમાં આશરે 115,000 લોકોનો ઘટાડો થશે. 2064માં આ સંખ્યા વધીને 437,000 અને 2065માં 793,000 થશે.
2054 સુધીમાં 9 દેશોની વસ્તી બમણી થઈ જશે
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, આફ્રિકા પણ એવા દેશોમાં સામેલ છે જ્યાં 2024 અને 2054 વચ્ચે વસ્તીમાં ઉછાળો જોવા મળશે. તે જ સમયે, નવ દેશોની વસ્તી – અંગોલા, મધ્ય આફ્રિકન રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, નાઇજર અને સોમાલિયા – ખૂબ ઝડપથી વધી શકે છે. રિપોર્ટ અનુસાર આ દેશોની કુલ વસ્તી 2024 થી 2054 વચ્ચે બમણી થઈ જશે.
2082માં વિશ્ર્વની વસ્તી 1030 કરોડે પહોંચશે
યુએનએ કહ્યું છે કે 2082માં વિશ્વની વસ્તી 1030 કરોડ થઈ જશે. ત્યારબાદ 2083માં વિશ્વની કુલ વસ્તી ઘટીને લગભગ 1020 કરોડ થઈ જશે. જાન્યુઆરી અને જુલાઈ 2083 ની વચ્ચે, વિશ્વની વસ્તીમાં ઘટાડો થવાનું શરૂ થશે. હાલમાં, વૈશ્વિક વસ્તી આશરે 816 કરોડ છે.