3,71,090 પરિવારોને આવરીને કુલ 10 લાખથી વધુ આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરાયા: મહા ઝુંબેશને વેગ આપવા ગામડાંઓમાં રાત્રિ કેમ્પનું પણ આયોજન

સામાન્ય માનવી કોઈ પણ પ્રકારના આર્થિક બોજાનો ભાર અનુભવ્યા વિના ગંભીર બીમારીઓની આધુનિક સારવાર લઈ શકે તે માટે ભારત સરકાર દ્વારા નાગરિકોને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ હેઠળ આરોગ્ય લક્ષી રક્ષણ નિ:શુલ્ક પૂરું પાડવામાં આવી રહયું છે. આયુષ્માન કાર્ડની તબીબી સેવાનો લાભ દેશનો દરેક નાગરીક લઈ શકે તે માટે ભારત સરકારની સુચના અનુસાર તા. 22 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લાના દરેક પ્રાથમિક/અર્બન આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, ઈ-ગ્રામ સર્વિસ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર માંથી વી.સી.ઈ. દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં આ ઝુંબેશ તળે અત્યાર સુધીમાં 16 હજારથી વધુ આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આયુષ્માન-ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના કુલ 3,71,090 પરિવારોને આવરીને કુલ 10 લાખથી વધુ આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરીને સરકાર દ્વારા રાજકોટની જનતાને આરોગ્ય લક્ષી રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓની નોંધપાત્ર કામગીરી

આ મહા ઝુંબેશને વેગવંતી બનાવવા અને વધુને વધુ લોકો આયુષ્માન ભારત કાર્ડનો લાભ મેળવે તે માટે ગ્રામ્ય સ્તરે રાત્રિ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પાયાના કર્મચારીઓ અને વી.સી.ઈ. ઓફિસર નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. આ કાર્ડ કઢાવવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને આવકનો દાખલો જરૂરી છે. જરૂરિયાત મંદ નાગરિકોને ગંભીર સારવારના ખર્ચાઓથી રાહત મેળવવા આ ઝુંબેશનો લાભ લેવા માટે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.