ઉકાળાથી સ્વાઈન ફલુ સામે મળે છે રક્ષણ: દવાખાના અને ટોળામાં જતી વખતે માસ્ક પહેરવાની સલાહ
સ્વાઈન ફલુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાઈન ફલુથી બચવા જીલ્લા આયુર્વેદિક વિભાગ અને જીલ્લા પંચાયત દ્વારા સ્વાઈન ફલુ સામે રક્ષણ મેળવવા ઉકાળાનું વિતરણ કરાયું હતું. વધુ સંખ્યામાં લોકોએ ઉકાળો પી સ્વાઈન ફલુ સામે રક્ષણ મેળવ્યું હતું.જીલ્લા આયુર્વેદિક અધિકારીના જણાવ્યા અનુસાર સ્વાઈન ફલુ માટેની આયુર્વેદિક પ્રતિરોધક ઉકાળો લોકો સુધી પહોંચે તે હેતુસર અલગ-અલગ સરકારી આયુર્વેદિક અને હોમીયોપેથી દવાખાનાઓમાં ઉકાળાનું વિતરણ કરાયું હતું. સ્વાઈન ફલુ સામે રક્ષણ માટેનો આયુર્વેદિક ઉકાળો ગડુચ્યાદિ કવાથ, દશમુળ કવાથ અને ભારંગયાદિ કવાથને પાણી સાથે મીકસ કરી ઉકાળો બનાવવામાં આવે છે. સ્વાઈનફલુના વાયરસથી બચવા આ ઉકાળાનું સતત સેવન કરવા આરોગ્ય અધિકારી દવેએ જણાવ્યું હતું. આ ઉપરાંત દવાખાના કે હોસ્પિટલોમાં દર્દીઓને મળવા જતા સમયે માસ્ક પહેરવાની તકેદારી લોકોએ રાખવા જણાવ્યું હતું.રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉકાળાનો લાભ ૨૮,૪૦૦ લોકોએ લીધો છે. આ ઉપરાંત પદ્મકુવરબા હોસ્પિટલ, ખેરાડી, ખાંભા, ચંદાલી, ગોંડલ, ચરખડી, વાસાવાડ જુની સાંકડી, ખજુરી ગુંદાળા, પાંચપીપળા, ધોરાજી સિવિલ, ઉપલેટા સિવિલ, કોલકી, ગણોદ, ખાખી જાળીયા, વડાળી અને કણેસરાના સરકારી આયુર્વેદિક દવાખાનામાં ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેમાં આશરે ૪ લાખથી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યું હતું. જયારે રાજકોટ સિવિલ, પદ્મકુવરબા હોસ્પિટલ, કોઠારીયા, કોલીથળ, વીરપુર, જામકંડોરણા સિવિલ, ભાયાવદર અને છાસીયાના સરકારી હોમીયોપેથી દવાખાના પર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેનો ૩ લાખ જેટલા લોકોએ લાભ લીધો છે તેમ આયુર્વેદિક અધિકારીએ જણાવ્યું હતું.