અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે ‘રામ મંદિર’ બનાવવા મુસ્લિમ પક્ષકારો રાજી હોવાના મધ્યસ્થી પેનલનો સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે બુધવારે સીમાચિહ્નરૂપ અયોધ્યા જમીન વિવાદ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ચિફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ૫ ન્યાયાધીશોની બંધારણીય બેંચે આ કેસની ૪૦ દિવસ સુધી મેરેથોન સુનાવણી યોજી હતી. એવી અપેક્ષા છે કે ૪ નવેમ્બરથી ૧૭ નવેમ્બરની વચ્ચે એટલે કે દેવ દિવાળીની આસપાસ આ કેસમાં હુકમ આવી શકે છે કેમ કે સીજેઆઈ ગોગોઈ ૧૭ નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થયા પછી મીડિયા સાથે વાત કરતા હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિંહાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં ૨૩ દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં કેશોવાનંદ ભારતી કેસ પછી અયોધ્યા જમીન વિવાદ કેસમાં સૌથી લાંબી સુનાવણી કરી હતી. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે ૬૮ દિવસ સુનાવણી કરી હતી, જ્યારે અયોધ્યા કેસની સુનાવણી ૪૦ દિવસ સુધી ચાલી હતી. આધારકાર્ડની બંધારણીય માન્યતાને પડકારતી પિટિશનની સુનાવણી ૩૮ દિવસ સુધી કરવામાં આવી હતી. જે ત્રીજી લાંબી સુનાવણી હતી. અયોધ્યા જમીન વિવાદના મામલાની સુનાવણી કરનારી બંધારણીય બેંચમાં  ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ઉપરાંત અન્ય ૪ ન્યાયાધીશો – જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની મધ્યસ્થી માટે ન્યાયમૂર્તિ (નિવૃત્ત) એફએમ કાલીફુલ્લાની અધ્યક્ષતામાં ૩ સભ્યોની લવાદ પેનલની રચના કરી હતી. આ મધ્યસ્થિ પ્રક્રિયા નિષ્ફળ ગયા પછી, સુપ્રીમ કોર્ટે ૬ ઓગસ્ટથી અઠવાડિયામાં ૫ દિવસ સુનાવણી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં, અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદા સામે ૧૪ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર હવે ચુકાદોની રાહ જોવાઇ રહી છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત ૨.૭૭ એકર જમીન સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાન વચ્ચે સમાન રીતે વહેંચવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે મે ૨૦૧૧ માં હાઇ કોર્ટના ચૂકાદાના સ્ટે સાથે વિવાદિત સ્થળે યથાવત સ્થિતી રાખવા આદેશ આપ્યો હતો.

આ કેસમાં લવાદની ભૂમિકા ભજવનારી મધ્યસ્થિ પેનલે અયોધ્યામાં વિવાદિત જમીન પર મુસ્લિમ પક્ષના દાવા છોડી દેવા તૈયાર હોવાની સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી. પેનલનું કહેવું છે કે ૨.૭૭ એકરમાં વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ હલ થઈ શકે છે. બુધવારે, મુસ્લિમ પક્ષના કેટલાક પક્ષો જમીન પર રામ મંદિર નિર્માણ માટે પોતાનો દાવો છોડી દેવા માટે તૈયાર છે, પરંતુ તેમની કેટલીક શરતો છે. જે પક્ષો કરાર પર સહમત થયા છે તેમાં સુન્ની વકફ બોર્ડ, નિર્વાણી અખાડા, હિન્દુ મહાસભા અને રામ જન્મસ્થાન પુન: ધ્ધાર સમિતિ છે. આ સમાધાનમાં રામ મંદિર બનાવવા મંજૂરી  આપવાના બદલામાં કેટલીક શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતાવટ મુજબ, ૧૯૯૧ના કાયદાનું કડક પાલન થવું જોઈએ, ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭થી જારી કરાયેલ સિસ્ટમ અનુસાર, આ સ્થાનનો ઉપયોગ બધા માટે પ્રાર્થના સ્થળ તરીકે થતો હતો.

ઉપરાંત અયોધ્યાની તમામ મસ્જિદોની મરામત કરવી જોઇએ અને ખાસ કરીને વકફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે જગ્યા આપવી જોઈએ. વિવાદિત જમીન અંગેના કરારથી બંને મુખ્ય પક્ષકારોએ પોતાને અંતર બનાવી દીધું છે. વીએચપી સમર્થિત રામજન્મભૂમિ ન્યાસ અને રામલાલા અને જમિઆત ઉલેમાએ પોતાને કરારથી દૂર કર્યા છે. સૂત્રો કહે છે કે મુસ્લિમ પક્ષોએ પોતાનો દાવો છોડી દીધો છે અને રામ મંદિર નિર્માણ માટે સંમતિ આપી છે. ટ્રસ્ટ માટે, આ કરાર દરેક રીતે ફાયદાકારક છે. જો ચુકાદો સુપ્રીમ કોર્ટની  તેમની તરફેણમાં આવે તો તેમને મહત્તમ જમીન પર મંદિરની માલિકી અને બાંધકામનો જ અધિકાર મળી શકે છે. ઉલ્લેખનીય છે કે બે  દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહેમદ ફારૂકીને પૂરતી સુરક્ષા આપવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિયુક્ત શ્રીરામ પંચુએ કોર્ટને કહ્યું હતું કે સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ જોખમમાં છે અને તેમને સતત ધમકીઓ મળી રહી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી પેનલના સભ્ય, ન્યાયાધીશ કાલિફલ્લા, વરિષ્ઠ એડવોકેટ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે આ અંગે જણાવ્યું હતું કે,  આ સમાધાનને નકારી કાઢવું જમિઆત જૂથ માટે પણ ખૂબ મુશ્કેલ હશે. મધ્યસ્થિ પેનલના કહેવા મુજબ જો સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પક્ષોની તરફેણમાં નિર્ણય લે તો પણ મસ્જિદ બનાવવાની જવાબદારી સુન્ની વકફ બોર્ડને સોંપવામાં આવશે. વકફ એક્ટની કલમ ૫૧ હેઠળ ફક્ત સુન્ની વક્ફ બોર્ડ વિવાદિત જમીનનો રક્ષક બની શકે છે. આવી સ્થિતિમાં મુસ્લિમ પક્ષ વિજેતા બને તો પણ વકફ બોર્ડને જમીન પર પોતાનો દાવો છોડી દેવાનો અધિકાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.