મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ દ્વારા અયોધ્યા કેસની સુનાવણી શરૂ
વડી અદાલતમાં આજથી મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ ધરી છે. પરિણામે રામ મંદિરનો આ મુદ્દો વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીની દિશા નકકી કરશે તેવી શકયતા છે. અગાઉ રામ મંદિરનો મુદ્દો જમીનનો ટૂકડો નહીં પણ લોકોની લાગણીઓ સાથે જોડાયેલી વાત હોવાની દલીલ થઈ ચૂકી છે.
ગત તા.૨૭ સપ્ટેમ્બરના રોજ તત્કાલીન મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે, રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ બંધારણીય ખંડપીઠને સોંપવામાં આવશે નહીં. તેનો અર્થ થયો કે, અયોધ્યાની જમીન પર કોનો હકક છે તે અંગેની સુનાવણી વડી અદાલતમાં શરૂ થશે.
અગાઉ ઈસ્લામમાં નમાજ અદા કરવા મસ્જિદની જરૂર છે કે નહીં તેનો મામલો બંધારણીય બેંચને સોંપાઈ કે નહીં તેના પર વિચારણા હાથ ધરાઈ હતી. ૧૯૯૪માં ઈસ્માઈલી ફારૂકી કેસમાં વડી અદાલતે પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાજ અદા કરવી એ ઈસ્લામમાં બાધ્ય નથી તેથી સુપ્રીમના આ ચુકાદામાં બંધારણીય ખંડપીઠ દ્વારા પુન: સમીક્ષા કરવામાં આવે. ૨૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં આ મામલે બંધારણીય બેંચને ન સોંપવાનું સ્પષ્ટ કર્યું હતું.
વડી અદાલતમાં અત્યાર સુધી અયોધ્યા કેસની સુનાવણી તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, ન્યાયાધીશ અશોક ભુષણ અને ન્યાયાધીશ એસ.અબ્દુલ નઝીરની ખંડપીઠ કરી રહી હતી. બીજી તરફ દિપક મિશ્રા મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત થતા નવનિયુકત મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ કેસની સુનાવણી માટે નવી ખંડપીઠની રચના કરી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટીસ સંજય કોલ અને જસ્ટીસ કે.એફ.જોશેફનો સમાવેશ થયો છે.
આજથી જમીન વિવાદની સુનાવણી શરૂ થઈ છે. ત્યારે આગામી લોકસભામાં રામ મંદિરનો મુદ્દો જ ગાજશે તેવી સંપૂર્ણ શકયતા છે. અગાઉ સંઘ સહિતની વિવિધ સંસ્થાઓ રામ મંદિરનું નિર્માણ કાયદો ઘડીને બનાવવા તરફ સરકારનું ધ્યાન દોરી ચૂકી છે. વિશ્વ હિન્દુ પરિષદનું મંદિર નિર્માણ માટે પથ્થર મંગાવવાનું પણ શરૂ કરી દીધુ છે. આગામી લોકસભા ચૂંટણીમાં ફરીથી રામ મંદિરનો મુદ્દો ગાજશે.