વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા નગરીના વિકાસ કામોની સમીક્ષા કરવા માટે બોલાવેલી ખાસ બેઠકમાં એ હકીકત પર ભાર મુક્યો હતો કે, અયોધ્યામાં મંદિર નિર્માણ થાય તે પહેલા તમામ પ્રકારના વિકાસ કામો પુરા થઈ જવા જોઈએ. અયોધ્યા મહાનગરી કોઈ એકની નહીં પરંતુ દરેક ભારતીય નાગરિકની નગરી છે.

નવીદિલ્હી ખાતે આજે વડાપ્રધાને અયોધ્યા વિકાસ કામ અંગે ખાસ બેઠક યોજી હતી. કેટલા વિકાસ કામો પુરા થયા અને કેટલા અધુરા છે તે અંગે તેમણે ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી અને અધુરા કામોને તાત્કાલીક પુરા કરવા માટે અયોધ્યા વહીવટી તંત્ર તથા યુપી સરકારને આદેશ આપ્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, અયોધ્યાને નવા જમાનાના પ્રતિક સમાન હાઈટેક નગરી બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. અયોધ્યા એ દરેક ભારતીયોની નગરી છે એ પ્રકારે દરેક ભારતવાસીઓને અનુભુતિ થાય તેવો અયોધ્યાનો વિકાસ કરવાનો છે. વિકાસના કાર્યોમાં આધુનિકતા અને પરંપરાનું મિશ્રણ કરવા પર વડાપ્રધાને ભાર મુક્યો હતો અને જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભારતવાસીઓની ઈચ્છા અને અપેક્ષા મુજબ રામ મંદિરનું નિર્માણ પરિપૂર્ણ થાય તે પહેલા જ અયોધ્યાનું કલેવર બદલી નાખતા વિકાસ કામો પુરા થઈ જવા જોઈએ. વડાપ્રધાને તમામ વિકાસ કામો અને ભાવી યોજનાઓને મંદિર નિર્માણ પહેલા પરિપૂર્ણ કરી નાખવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાને બોલાવેલી બેઠકને ખુબજ સુચક માનવામાં આવે છે. વડાપ્રધાનનો સંકેત સ્પષ્ટ છે કે, અયોધ્યા આધુનિક બનવા સાથે પરંપરાનું દર્શન કરાવતી નગરી પણ બની રહેવી જોઈએ. આ મહાનગર નમુનેદાર બની રહે તેવી વડાપ્રધાનની પએક્ષા છે અને તેઓ એ રીતે વિકાસ કામોને વળાંક આપવા માંગે છે. અયોધ્યામાં આધુનિકતાની સાથે સાથે પરંપરાનો સંગમ પણ જોવા મળે તેવો અયોધ્યા મેગા પ્લાન વડાપ્રધાને વહીવટી તંત્રને આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.