અયોધ્યાથી પ્રભુ શ્રી રામના ભક્તો માટે વધુ એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. અયોધ્યા ખાતે નિર્માણાધિન રામજન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યાનું નવનિર્મિત એરપોર્ટ બનીને તૈયાર થઇ જશે. એટલું જ નહીં પ્રાણપ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યા એરપોર્ટનું સંચાલન શરૂ થઇ જશે.
અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. 15 ડિસેમ્બર સુધીમાં એરપોર્ટનું કામ પૂર્ણ થઈ જશે અને 6 જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટનું સંચાલન શરૂ થઇ જશે. દિલ્હી અને અયોધ્યા વચ્ચે પહેલી ફ્લાઇટ પણ 6 જાન્યુઆરીથી શરૂ થઈ જશે.
તો ગુજરાત અને અમદાવાદના રામ ભક્તો માટે પણ ખુશીના સમાચાર મળી રહ્યા છે. આગામી 11 જાન્યુઆરીથી અમદાવાદ અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ થઇ જશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનાં રામ ભક્તો ફ્લાઇટનો લાભ લઇ શકશે., આગામી 25 ડિસેમ્બરના રોજ અયોધ્યાના નિર્માણાધિન એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવી શકે છે. પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે.