હાલ ગણેશઉત્સવ નજીક છે. લોકો ગણેશઉત્સવ મનાવવા થનગની રહ્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં માટીના કારીગરો ગણપતિજીની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત થયા છે.
જામનગરમાં ગુલાબનગરમાં છેલ્લા 10 વર્ષથી અતુલ પ્રજાપતિ દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આગામી ગણેશ ચર્તુથીના મહોત્સવને ધ્યાનમાં રાખી તેમણે ઇકો ફ્રેન્ડલી ગણેજીની મૂર્તિ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે લોકો તહેવારોની ઉજવણી કરી શકયા ન હતા. ગણેશ મહોત્સવની ઉજવણીમાં પણ અનેક પાબંદીઓ હતી ત્યારે આ વર્ષેે કોરોનાના કેસો ઘટતાં સરકાર દ્વારા તહેવારોની ઉજવણીમાં છૂટછાટ આપવામાં આવી છે. જેને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. આગામી ગણેશ મહોત્સવને લઇ કારીગરો ગણેશજીની મૂર્તિ બનાવવાની તૈયારી કરી રહયા છે.
જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં અતુલભાઇ પ્રજાપતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે છ ઇંચથી ચાર ફૂટ સુધીની મૂર્તિ બનાવવામાં આવી છે. જે રૂપિયા 151થી રૂા. 7500 સુધીનો ભાવ નકકી કરાયો છે.
તેમજ અંદાજિત 254 પ્રકારના સ્વરૂપમાં ભગવાન ગણેજીની પ્રતિમા બનાવવામાં આવી રહી છે અને તમામ મૂર્તિઓ સરકારી નિયમોને ધ્યાનમાં લઇ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાઇ રહી છે.