સરહદની સુરક્ષા સંભાળનાર નિવૃત આર્મીમેને આર્થિક મુશ્કેલીના કારણે પરિવારની જવાબદારી સંભાળી ન શકતા જીવન ટુંકાવ્યું

આર્થિક ભીંસમાં અનેક પરિવારના માળાઓ પીખાયા છે. ત્યારે શહેરમાં વધુ એક પરિવારનો માળો આર્થિક ભીંસથી વિખાય ગયો છે. જેમાં એક્ષ આર્મીમેને પોતાની જ ગનમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો છે. સરહદની સુરક્ષા સંભાળનાર પરિવારની જવાબદારી ન સંભાળી શકતા સિક્યુરિટીએ જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં હનુમાન મઢી પાસે આવેલા તિરુપતિ -3માં રહેતા નિવૃત્ત આર્મી જવાન મનીષભાઈ રવજીભાઈ વારા નામના 50 વર્ષીય પ્રૌઢ ગઇ કાલે રાત્રીના પ્રેમ મંદિર પાસે જૂનું બૌદ્ધ વિહારમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ગઈકાલે રાત્રીના કોઈ પણ સમયે તેને પોતાની જ ગનમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સવારે અન્ય સિક્યુરિટી મેનને જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મનીષભાઈ વારા આર્મીમાં ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. થોડા દિવસ પહેલા તેમના સ:કર્મી સાથે મનીષભાઈએ પૈસાની તંગી હોય અને પુત્રીની શાળાની ફિસ ભરવાની પણ ચિંતા થતી હોવાનું જણાવ્યું હતું.

ગઇ કાલે રાબેતા મુજબ મનીષભાઈ વારા પોતાની ફરજ પર ગયા હતા. ત્યારે રાત્રી દરમિયાન જ પ્રૌઢે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે સ્યુસાઈડ નોટ પણ કબ્જે કરી છે. જેમાં આર્થિક ભીંસના કારણે જ આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યું હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે મામલતદારની હાજરીમાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી સીસીટીવી ફૂટેજમાં આધારે આગળની તપાસ હાથધરી છે. સરહદની સુરક્ષા સંભાળનાર નિવૃત્ત જવાન પરિવારની જવાબદાર ન સંભાળી શકતા આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.