ઓસ્ટ્રેલીયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે કહ્યું કોહલી ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર ખેલાડી છે, આગામી દિવસોમાં તે અનેક રેકોર્ડ તોડી નાખશે
થોડા વર્ષો પહેલા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે એક કાર્યક્રમમાં કહ્યું હતું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના રેકોર્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા તોડી શકે છે. કોહલીએ આ વાત સાચી પણ કરી બતાવી છે, તેણે અત્યાર સુધીમાં સચિનના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે અને કેટલાક રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. હવે કોહલીના પ્રશંસકોમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન અને હાલના ટોચના ૩ શાનદાર બેટ્સમેનોમાં સામેલ સ્ટીવ સ્મિથ પણ જોડાયો છે.
સ્મિથને જ્યારે કોહલી સાથે તુલના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ભારતીય કેપ્ટનની ઉપલબ્ધિઓ ગણાવીને કહ્યું હું માત્ર તેની બેટિંગનો જ નહીં પણ કેપ્ટનશિપનો પણ પ્રશંસક છું. કોહલી લાજવાબ છે, તેના આંકડા ખુદ આ વાતની સાક્ષી છે. મને લાગે છે કે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તે શાનદાર ખેલાડી છે. આગામી દિવસોમાં તે અનેક રેકોર્ડ તોડી નાંખશે.
સ્મિથે એમ પણ કહ્યું કે, કોહલી પહેલા જ અનેક રેકોર્ડ તોડી ચુક્યો છે અને મને સ્પષ્ટ દેખાય છે કે ભવિષ્યમાં તેના બેટમાંથી અનેક રેકોર્ડ સ્થપાશે. તેનામાં રનની ભૂખ છે અને તે ઓછું થવાની નામ જ નથી લેતી. મને આશા છે કે ઓસ્ટ્રેલિયા સામે ભવિષ્યમાં રમાનારી શ્રેણીમાં તેના પર નિયંત્રણ લાવી શકીશું.
કોહલીની કેપ્ટનશિપની પ્રશંસા કરતાં ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટને કહ્યું, કેપ્ટન તરીકે ભારતીય ટીમને પહેલા જ ટેસ્ટમાં નંબર વનના સ્થાન પર પહોંચાડી ચુક્યો છે. તેણે પોતાના માટે ખૂબ ઊંચા માપદંડો રાખ્યા છે. તે ફિટનેસને લઈ ખૂબ સજાગ છે. ભારતીય ટીમને કોહલી ખૂબ આગળ લઈ રહ્યો છે.