સ્પર્ધકોને ખલેલ ન પહોંચે તે માટે ઓસમ પર્વત ચડવા-ઉતરવા ઉપર પ્રતિબંધિત જાહેરનામું પ્રસિઘ્ધ કરતા અધિક કલેકટર
ધોરાજી નજીક આવેલા ઓસમ પર્વત ખાતે આગામી રવિવારે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રાજયકક્ષાની ઓસમ પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ સ્પર્ધામાં સ્પર્ધકોને ખલેલ ન પહોંચે તે માટે નિયત સમય માટે ઓસમ પર્વત ચડવા-ઉતરવા ઉપર પ્રતિબંધિત જાહેરનામું અધિક કલેકટર દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારનાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્રની રાહબરી હેઠળ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત રાજયનાં યુવક-યુવતીઓ માટે રાજયકક્ષાની ઓસમ પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૦ આગામી તા.૧૨ના રોજ પાટણવાવ ખાતે યોજાનાર છે. આ સ્પર્ધાના કારણે ઓસમ પર્વત ઉપર જતા પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યકિતઓનાં કારણે સ્પર્ધકોને સંભવિત ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા રહેલ હોય માટે આ સ્પર્ધા દરમિયાન ઓસમ પર્વતના સીડીના પગથિયા ઉપર આવવા-જવા માટે પ્રાંત અધિકારી-ધોરાજીની મળેલી દરખાસ્તને ધ્યાને લઈને અધિક જીલ્લા કલેકટર પી.બી.પંડયા દ્વારા પ્રતિબંધિત જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ તા.૧૨ના રોજ બપોરના ૧૨ કલાક સુધી પર્વતના પગથિયા ઉપર જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર બનશે.