વૃક્ષ ઉછેરવા મોરબીના નગરજનો કટિબદ્ધ : સવારથી લોકોએ રોપા લેવા લાઈનો લગાવી
બે કલાકમાં બે હજાર રોપાનું વિતરણ : ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના આગેવાનોની પ્રેરક હાજરી
મોરબી શહેરને હરિયાળું બનવવા મોરબીની જુદી જુદી સહયોગી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ રોપા વિતરણ કાર્યક્રમને લોકોએ અદભુત પ્રતિસાદ આપ્યો હતો અને બે કલાકમાં જ બે હજાર રોપાનું વિતરણ કરાયું હતું, આ તકે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર મોરબીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મોરબીની વિવિધ સંસ્થાઓના સયુંકત ઉપક્રમે શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે આજે સવારથી લીમડો, પીપળો, કરંજ જેવા ઘટાદાર વૃક્ષોના રોપાઓનું રામચોક કે.કે.સ્ટીલ નજીક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પ્રકૃતિપ્રેમી લોકોએ અદભુત ઉત્સાહ દાખવી રોપ મેળવ્યા હતા અને વૃક્ષનું જતન કરવા સંકલ્પ કર્યો હતો.
વિવિધ સંસથના સયુંકત ઉપક્રમે યોજાયેલ રોપા વિતરણ કાર્યક્રમમાં કુલ ૨ હજારથી પણ વધુ વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું, આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને વૃક્ષ ઉછેર, જતનની પ્રવૃત્તિને બિરદાવી હતી.
મોરબી વન વિભાગના સહયોગથી મયુર નેચર કલબ, પ્રેસ ફ્રેન્ડ્સ કલબ, ઇન્ડિયન લાયન્સ કલબ અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે યોજાયેલ રોપા વિતરણ કાર્યક્રમમાં મયુર નેચર કલબના એમ.જી. મારુતિ, જીતુભાઇ ઠક્કર, ઘનશ્યામભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ અધારા, ભાવિપ્રસાદ રાચ્છ, અજયભાઈ અનડકટ, મુકેશભાઈ સોલંકી, ધનજીભાઈ કુંડારીયા, નરેન્દ્રભાઈ દોશી, વિજય સોલંકી, વીશું પટેલ, હર્ષદભાઈ ગામી, ઋત્વિક નિમાવત અને યુનાઇટેડ યુથ ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી.