મહાપાલિકાની તમામ શાખાઓ વચ્ચે રંગોળી સ્પર્ધા: ગરીબ દર્દીઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો: કોર્પોરેશન કચેરી દેશભકિતનાં ગીતોથી ગુંજી ઉઠી
રાત્રે પ્લે બેક સિંગર જાવેદ અલીની મ્યુઝીકલ નાઈટ ‘સુર તરંગ’માં ઉમટી પડવા પદાધિકારીઓ-અધિકારીઓની અપીલ
રાજકોટ મહાનગરપાલિકાનાં ૪૭માં સ્થાપના દિનની જાજરમાન ઉજવણી કરવામાં આવી હતી. સ્ટાફ સ્પોર્ટસ રીક્રીએશન કલબ દ્વારા મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તમામ શાખાઓ વચ્ચે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી અને ગરીબ દર્દીઓ તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો હતો. મહાપાલિકા કચેરી દેશભકિતનાં ગીતોથી ગુંજી ઉઠી હતી. ત્રણેય ઝોન કચેરી ખાતે નયનરમ્ય રોશની કરવામાં આવી છે. રાજકોટને વર્ષ ૧૯૭૩માં નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવ્યો છે. છેલ્લા ૪૭ વર્ષમાં શહેરનો વિકાસ રાજાની કુંવરીની માફક થયો છે. સ્થાપનાકાળ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની વસ્તી ૩.ર૯ લાખ અને શહેરનું ક્ષેત્રફળ ૬૯ ચો.કિમી.નું હતું. વર્ષ ૧૯૯૮માં રૈયા નગરપાલિકા અને નાનામવા અને મવડી નગર પંચાયતને રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા શહેરનું ક્ષેત્રફળ વધીને ૧૦૪.૮૬ ચો.કિમીનું થયું હતું ત્યારબાદ જાન્યુઆરી ર૦૧૫માં કોઠારીયા તથા વાવડી ગ્રામ પંચાયતમાં રાજકોટ મહાપાલિકામાં ભેળવવામાં આવતા શહેરનું ક્ષેત્રફળ વધીને ૧ર૯.ર૧ ચો.કિમીનું થયું હતું. ૧૯૦૧માં રાજકોટની વસ્તી ૩૬ હજારની હતી જે ૧૯૫૧માં ૧.૭૩ લાખ, ૧૯૭૩માં ૩.ર૯ લાખ, ૧૯૮૧માં ૪.૪૪ લાખ, ૧૯૯૧માં ૫.૫ લાખ, ર૦૦૧માં ૧૦ લાખ અને ર૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૩.૪૬ લાખ થઈ છે. હાલ શહેરની વસ્તી ૧૭ લાખ આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે.
સ્માર્ટ સીટી તરીકે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની પસંદગી કરવામાં આવ્યા બાદ વિકાસની નવી સીટીઝો ખુલ્લી છે. આજે કોર્પોરેશનનાં ૪૭માં સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબ દ્વારા મહાપાલિકાની તમામ શાખાઓ વચ્ચે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એક નયનરમ્ય રંગોળી દોરવામાં આવી હતી જે નિહાળવા માટે અરજદારો પણ બે ઘડી ખોટી થઈ જતા હતા. પદાધિકારીઓ દ્વારા બપોરે કેકનું કટીંગ કરી ૪૭માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં લોહીની ખુબ અછત રહેતી હોય તથા થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની માફક આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા સ્થાપના દિન નિમિતે સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮:૩૦ કલાકે રેસકોર્સ સંકુલ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થીયેટર ખાતે બોલીવુડનાં ખ્યાતનામ પ્લે બેક સિંગર જાવેદ અલી પ્રસ્તુત મ્યુઝીકલ નાઈટ સુરતરંગનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્ર્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેશે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા અને શહેર ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, જાણીતા ઉધોગપતિ રામભાઈ બરછા, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, દલસુખભાઈ જાગાણી, વશરામ સાગઠીયા, અજય પરમાર ઉપસ્થિત રહેશે.
જાવેદ અલી આજે સુરતરંગ મ્યુઝિકલ નાઈટમાં પોતાએ બજરંગી ભાઈજાન, જોધા અકબર, ગજની, રાઝણા, તુમ મિલે, ઈશકજાદે, બન્ટી ઔર બબલી સહિતનાં એક-એકથી ચડીયાતા ગીતો રજુ કરશે. આ મ્યુઝીકલ નાઈટમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ તથા સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન આશિષભાઈ વાગડિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૪૭માં સપ્ના દિનની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા ચુડાસમા-ઝડફિયા
મહાનગરપાલિકાનો આજે તા.૧૯ નવેમ્બરે ૪૭ મો સ્થાપના દિન છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે પધારેલ પ્રદેશ ભાજપ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા, રાજયના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા હર્ષદગીરી ગોસ્વામીએ શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સ્માર્ટ સીટી તરફ આગેકદમ કરી રહયું છે અને શહેરમાં શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી, રોડ-રસ્તા, ટ્રાન્સપોર્ટ, નવુ બસ પોર્ટ, નવું તળાવ, આધુનિક બગીચાઓ જેવી શહેરીજનોને સુવિધા આપવામાં ભાજપ શાસિત કોર્પોરેશનના પદાધિકારીઓ હંમેશા સક્રિય રહયા છે ત્યારે રાજકોટના વિકાસ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજકોટના વિકાસ માટે ફાળવી છે ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ સ્માર્ટ સીટીની સાથે દેશના અન્ય વિક્સીત મહાનગરોની સાથે રાજકોટ કદમ મીલાવે અને મેગાસીટી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહીતના ઉપસ્થિત રહયા હતા.