- રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા 74 હજારથી વધુ વાહનો પર રીફ્લેક્ટર લગાડવામાં આવ્યા
- ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા 1 લાખથી વધુ નાગરીકોને ટ્રાફિક અવેરનેશ હેન્ડ બીલ-પેમ્ફલેટ વિતરણ કરાયા: 97 હજારથી વધુ નાગરીકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપતી પત્રિકા આપવામાં આવી
- રાજ્યમાં અનાધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે 44 હજારથી વધુ કેસો નોંધી વાહનચાલકોને રૂ.2 કરોડથી વધુ રકમનો દંડ કરાયો
- ઇન્ટરસેપ્ટર વાહનની મદદથી 25 હજારથી વધુ વાહનોના ઓવર સ્પીડિંગ અંગે કેસ કરવામાં આવ્યા
- સ્કૂલ-કોલેજોમાં ટ્રાફિક અંગેની જાગૃતતા માટે 677 પ્રોગ્રામ કરી 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ અપાઈ
રાજ્યના નાગરીકોને ટ્રાફિકના નિયમો અંગેની સમજ આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે નેશનલ રોડ સેફટી ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં તા. 01 થી તા.31 જાન્યુઆરી 2025 સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
માર્ગ અકસ્માતોના બનાવો નિવારવા માટે પોલીસ દ્વારા અકસ્માતોના સર્વે તેમજ રીસર્ચ કરવામાં આવે છે, જેમાં વધુ પ્રમાણમાં બનતા માર્ગ અકસ્માતોના કારણોમાં, વાહનોના પાછળથી અથડાવાના કારણે, વાહનોના પાછળના ભાગે ટેઇલ લાઇટ-બ્રેક લાઇટ ચાલુ ન હોવાના કારણે, વાહનોની ઓવર સ્પીડના કારણે, રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે, વાહનોની પાછળ રેડીયમ – રીફ્લેકટર લગાવેલ ન હોવાને કારણે તેમજ અન-અધિકૃત રીતે માર્ગ ઉપર વાહનનું પાર્કિંગ કરેલ હોય તેવા સંજોગોમાં માર્ગ અકસ્માત વધુ સર્જાતા હોવાનું ધ્યાને આવે છે.
આ પ્રકારે સર્જાતા જીવલેણ અકસ્માતો નિવારવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા 1 લાખથી વધુ નાગરીકોને ટ્રાફિક અવેરનેશ હેન્ડ બીલ-પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતાં. 97 હજારથી વધુ નાગરીકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપતી પત્રિકા આપવામાં આવી હતી, તેમજ રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા 74 હજારથી વધુ વાહનો પર રેડીયમ રીફ્લેકટર લગાડવામાં આવ્યા હતા.
આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન રાજ્યમાં ધોરીમાર્ગનો ઉપયોગ કરનાર 45 હજારથી વધુ નાગરીકો માટે અનેક કાર્યક્રમો યોજાયા હતા, 15 હજારથી વધુ નાગરીકોએ માર્ગ સલામતી અંગેના વર્કશોપમાં ભાગ લીધો હતો, ધોરીમાર્ગને લગતી તાલીમમાં 9 હજારથી વધુ નાગરીકો હાજર રહ્યા હતા, આ ઉપરાંત 3 હજારથી વધુ નાગરીકોએ માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આઈ ચેક-અપ કેમ્પનો લાભ લીધો હતો.
માર્ગ સલામતી સપ્તાહ અન્વયે ઇન્ટરસેપ્ટર વાહનની મદદથી ૨૫ હજારથી વધુ વાહનોના ઓવર સ્પીડિંગ અંગે કેસ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત ટ્રાફિક ટીમ દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજોમાં ટ્રાફિક અંગેની જાગૃતતા માટે 677 પ્રોગ્રામ કરી 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમજ આપવામાં હતી.
તા. 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2025 માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રાજ્યમાં અનાધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે 44 હજારથી વધુ કેસો નોંધી વાહનચાલકોને રૂ.2 કરોડથી વધુ રકમનો દંડ કરાયો હતો. તેમજ એમ.વી એક્ટ-185 મુજબ 2,111 જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીટ બેલ્ટ ન બાંધવાના 26 હજારથી વધુ કેસ, હેલ્મેટ ન પહેરવા પર 88 હજારથી વધુ કેસ, ઓવર સ્પીડીંગના 24 હજારથી વધુ કેસ રોંગ સાઈડ ડ્રાઈવિંગના 18 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા.