- બેઠકમાં પીજીવીસીએલને લગતા પ્રશ્ર્નોનો ઝડપભેર નિકાલ લાવવા અધિકારીઓને સૂચના અપાઇ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા તેમજ લોકોની રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમા પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા લગત અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતા.બેઠકમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે લોકોમાં જાગૃતતા લાવવા તેમજ તે સંબંધિત રજૂઆતોનું નિરાકરણ લાવવા, પ્રી-મોન્સુન કામગીરી કરવા અંગે, વીજ વાયરો બદલાવવા, લોકોની લો વોલ્ટેજની ફરિયાદોનું નિરાકરણ લાવવું, વીજ ફિડરો આપવા અંગેની આવેલી રજુઆતોનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પીજીવીસીએલના અધિકારી, સંલગ્ન કાર્યપાલક ઇજનેરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પીવાના પાણીને લગતી રજૂઆતોનું ત્વરીત નિરાકરણ લાવવા તાકીદ
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લાના લોકોની પીવાના પાણીની રજુઆતોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ સૂચનો કર્યા હતા. જરૂરિયાતવાળા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ દરેડમાં વીજ કનેક્શનમાં આર કોડ આપવો, દિગ્વિજય ગામે ટાંકી રિપેરિંગનું કામ, રાવલસર ગામે બોરમાં મોટર મૂકવા અંગેની લોકરજુઆતોનું નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી.