કોરોના મહામારીમાં સૌ કોઇએ વૃક્ષોનું મહત્વ જાણ્યુ તેથી જ પર્યાવરણદિને જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે બાળકોથી લઇ વડિલો સુધી સૌ કોઇએ મોટાપાયે વૃક્ષારોપણ કર્યું. વૃક્ષએ જીવનદાતા છે પરંતુ આ વાત જાણે સરકાર જ ભૂલી ગઇ હોય તેવું લાગે છે. કારણ કે જામનગર જીલ્લાની વિવિધ નર્સરીઓમાં ચાલુ વર્ષે સાડા ત્રણ લાખ જેટલાં ઓછા રોપા તૈયાર કરવામાં આવ્યાં છે. જેનું કારણ કોરોનાના કારણે સરકાર દ્વારા ગ્રાન્ટ ઓછી મળતા રોપા ઓછા તૈયાર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકો વૃક્ષો આપણા માટે કેટલા ઉપયોગી છે તેનું મહત્વ સમજ્યા ત્યારે સરકાર જ આ વાત ભૂલી ગઇ. કોરોના બાદ વધુ વૃક્ષોના રોપા તૈયાર કરવાને બદલે ગત વર્ષની સરખામણીએ ઓછા રોપા તૈયાર થતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
વૃક્ષએ જીવનદાતા છે આ વાત સરકાર જાણે ભૂલી જ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, વર્ષ 2019- 20 દરમિયાન જામનગર જિલ્લાની જુદી જુદી નર્સરીઓમાં 18 લાખ 45 હજાર રોપા તૈયાર કરવામાં આવ્યા હતાં. જેની સામે વર્ષ 2020- 2021માં માત્ર 15 લાખ રોપા જામનગર જિલ્લાની નર્સરીઓમાં તૈયાર કરવામાં આવ્યા છે. આથી વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં 3,45,000 રોપા ઓછા તૈયાર કરવામાં આવતા સરકારે રોપા તૈયાર કરવાના લક્ષ્યાંક પર ઉપર જાણે કાતર ફેરવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ કોરોનાના કારણે સરકાર દ્વારા ગ્રાન્ટ ઓછી મળતા 2020- 2021 રોપા ઓછા તૈયાર કરવામાં આવ્યા હોવાનું વનવિભાગના અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જિલ્લામાં કાર્યરત વનવિભાગની નર્સરી ઓમાં વર્ષ 19-20ની સરખામ ણીએ વર્ષ 20-21 માં ફકત ત્રણ રોપા વધુ તૈયાર થયા છે.
જિલ્લાની જરૂરિયાત પ્રમાણે રોપા તૈયાર કરાય છે : વન વિભાગ
દરેક જિલ્લાની જરૂરિયાત પ્રમાણે નર્સરીઓમાં રોપા તૈયાર કરવામાં આવે છે. જામનગર જિલ્લાની સ્થિતિ શું છે તે જાણવી પડે ત્યારબાદ હું જણાવી શકું તેમ વન વિભાગના અધિકારી જણાવે છે.