કિસાન સેવા સંઘનાં સ્થાપક અવિનાશ કાકડે આ ઉદેશ્યથી ભારતભરમાં યોજી રહ્યા છે લોકજાગૃતિનાં કાર્યક્રમો
ગુજરાતીમાં એક કહેવત છે કે, નિરોગી શરીરમાં નિરોગી મન રહે છે તથા અન્ન એવો ઓડકાર આપણે જેવો ખોરાક શરીરમાં લઈએ છીએ તે મુજબની ધાતુઓનું શરીરમાં નિર્માણ થાય છે. વધુ નફો અને વધુ ઉપજની લાલચમાં આપણું અન્ન વિષયુકત બની ચુકયું છે. દાખલા તરીકે દેશમાં રોજ ૧૭ કરોડ લીટર દુધ પેદા થાય છે. જેની સામે ૬૭ કરોડ લીટર દુધ બજારમાં વેચાય છે ત્યારે સ્વાભાવિક છે કે વેચાતુ તમામ દુધ અસલી દુધ હોતુ નથી. મોટાભાગે આપણે દુધનાં નામે સિન્થેટીક અને કેમિકલયુકત દ્રવ્યો શરીરમાં દાખલ કરીએ છીએ. આવી અન્ન, પાણી અને ખોરાકમાં થઈ રહેલી ભેળસેળ સામે સમગ્ર ભારતભરમાં લોકજાગૃતિનું કામ કરવા કિસાન સેવા સંઘ મેદાનમાં આવ્યું છે.
મહારાષ્ટ્રનાં લોકપ્રિય ખેડુત આગેવાન અને ખેડુતો માટે જેઓએ જીવન સમર્પિત કર્યું છે તેવા અવિનાશ કાકડેનાં નેતૃત્વ હેઠળ આ અભિયાન દેશભરમાં ચાલુ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં લોકોએ ભેળસેળ મુકત અન્ન અને ખોરાક માટે આગળ આવવું પડશે. આ દિશામાં કિસાન સેવા સંઘનાં માધ્યમથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જે મુજબ કિસાન સેવા સંઘનાં કાર્યકરો ગામે ગામ જઈને લોકોને ઓર્ગેનિક ખેતીની બાબતમાં સમજ આપી રહ્યા છે. આ જ ઉપલક્ષ્યમાં અવિનાશ કાકડે મહારાષ્ટ્રથી હાલમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેમના સેમીનારો સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગમાં યોજાઈ રહ્યા છે. ગુજરાતમાંથી જતીન પટેલ, રાજેશ સખીયા અને વિમલ મણતર તેમની સાથે આ જાગૃતિ કાર્યમાં જોડાઈને ગુજરાતનાં ગામડાઓમાં હાલમાં વિષમુકત ભોજન અને રોગમુકત શરીરની આહલેક જગાવી રહ્યા છે. રાજકોટમાં પણ આગામી દિવસમાં આ અંગે સેમીનાર યોજાશે તેમ અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.