- પોલીસ કમિશનર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં રોડ સેફટી મંથ સમાપન સમારોહ યોજાયો: ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ,
- જગદીશ બંગરવા, પૂજા યાદવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા: વિવિધ શાળાના વિદ્યાર્થીઓની બહોળી ઉપસ્થિતી
દર વર્ષે જાન્યુઆરી માસની રોડ સેફટી મંથ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે લોકોમાં રોડ સેફટી, ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતો હોય ત્યારે રોડ સેફટી વિષય પર વિવિધ શાળાના વિદ્યાર્થીઓની અલગ અલગ સ્પર્ધા યોજવામાં આવતી હોય આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી રોડ સેફટી મંથનું સમાપન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જગદીશ બંગરવા, પૂજા યાદવ સહિતના અધિકારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ તેમજ આરટીઓ તંત્ર દ્વારા વિવિધ શાળાના વકૃતત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને પ્રોજેક્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અલગ અલગ ત્રણ કેટેગરીમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સાયકલ, બીજા ક્રમાંકે એલેક્ષા જયારે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનારને સ્માર્ટ વોચ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે હેલ્મેટ તેમજ મગ આપવામાં આવ્યા હતા. હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ સમાપન સમારોહ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ તકે ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જગદીશ બંગરવા, પૂજા યાદવ, એસીપી, પીઆઈ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા જયારે વિવિધ શાળાના બાળકો પણ ઉપસ્થિતિ રહી હતી.
25 હજારથી વધુ વિદ્યાર્થીઓને જાગૃત કરાયા : આરટીઓ ખપેડ
અબતક સાથેની વાતચીતમાં આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025નું એક જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાની સ્કૂલ અને કોલેજોમાં રોડ સેફ્ટીની જાગૃતતા માટેના કાર્યક્રમમાં યોજવામાં આવ્યા હતા. 25,000 થી વધુ બાળકોને રોડ સેફ્ટી માટે સમજાવવામાં આવ્યા હતા જેમાં સીટબેલ્ટ બાંધવો, હેલ્મેટ પહેરવું, ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા. રોડ અકસ્માત ઘટાડવા લોકોમાં જાગૃતતા લાવી જરૂરી છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. કાયદાનો ભંગ કરનારને દંડ ફટકારવામાં આવ્યા હતા.
ભાવિ પેઢીને જાગૃત કરવા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ : ડીસીપી યાદવ
અબતક સાથેની વાતચીતમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી એક જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. સ્કૂલ અને કોલેજોમાં અવેરનેસ માટેના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનરના હસ્તે વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.