37 રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતનો ડંકો

અબતક,રાજકોટ
ગુજરાતના જેલ વિભાગને ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-એવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન એવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં અધિક પોલીસ મહાનિદેશક ડો. કે. એલ. એન.રાવે કરી હતી.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપક્રમે NIC દ્વારા આ CCTNS પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ICJS પોર્ટલની શરૂઆત કરવામાં આવેલી છે.આ પોર્ટલ પર રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ, કોર્ટ, પ્રિઝન્સ, ગુનામાં સંડોવાયેલ વાહનો, ગુમ/બિનવારસી વ્યકિતઓની માહિતી, વિઝા-પાસપોર્ટ, કેન્દ્રીય એજન્સીઓ, એફએસએલ, પ્રોસીકયુશન, એલીસ(આર્મસ લાયસન્સ) વિભાગોના ડેટાનો વિનિમય કરીને તપાસ કરનાર એજન્સીને એક જ ડીજીટલ સીક્યોર પ્લેટફોર્મ ઉપર ડેટા જોઈ શકે તેવી વ્યવસ્થા કાર્યાન્વિત કરેલી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ સીસીટીએનએસ-આઇ.સી.જે.એસ.પ્રોજેક્ટ હેઠળ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ અમલીકરણ અંગેના એવોર્ડની થયેલી જાહેરાતમાં આઇ.સી.જે.એસ. પ્રોજેકટ હેઠળ વિવિધ સ્તંભો પોલીસ, પ્રિઝન, એફ.એસ.એલ., પ્રોસીક્યુશનમાં કરેલી કાર્યવાહી અંગેના એવોર્ડ અન્વયે દેશના 37 રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશમાં શ્રેષ્ઠઅમલીકરણ બદલ પ્રિઝન સ્તંભમાં ગુજરાતને દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરવાના અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ આ વેળાએ રાજ્યની જેલોના વડા અને અધિક પોલીસ મહાનિદેશક ડો. કે. એલ. એન. રાવના પુસ્તક જેલ ઇતિહાસ અને વર્તમાનના અંગ્રેજી સંસ્કરણ જેઇલ-પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું.

ગાંધી-સરદાર જેવા યુગ પુરૂષોની સાથે સંકળાયેલો ગુજરાતની જેલોનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલી કેદી સુધારણાની કામગીરીનો ચિતાર, પુસ્તકના આ અંગ્રેજી સંસ્કરણના માધ્યમથી હવે દેશ-વિદેશના પ્રબુદ્ધ વાચકો સુધી પહોચતો થશે.ડો. રાવનું પુસ્તક જેલ ઇતિહાસ અને વર્તમાનનું ગુજરાતી સંસ્કરણ આ અગાઉ ઓગષ્ટ-ર0ર1માં પ્રકાશિત થયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.