ધોક્કા સહિતના શસ્ત્રો સાથે બ્રોડ બેન્ડની ઓફિસમાં ઘૂસી બઘડાટી બોલાવી: સીસીટીવી વાયરલ
શહેરમાં આવારા તત્વોને જાણે ખાખીનો ખૌફ વિસરાઇ ગયો હોય તેમ ખૂલ્લેઆમ પોતાની મનમાની ચલાવી આતંક મચાવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રદ્યુમન નગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટી ટાંકી ચોકમાં જોવા મળ્યો હતો. જેમાં બ્રોન્ડ બેન્ડ ઓફિસમાં આવારા તત્વોએ ઘૂસી તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
આ અંગેની પોલીસની પ્રાપ્ત વિગત મુજબ શહેરના મોટી ટાંકી ચોકમાં આવેલી યુ બ્રોડ બેન્ડની ઓફિસમાં અમૂક આવારા તત્વોએ હથિયારો સાથે ઘૂસીને આતંક મચાવ્યો હતો. ઓફિસમાં હાજર લોકો કંઇ સમજે તે પહેલા જ અમૂક શખ્સોએ ધોક્કા વડે ઓફિસમાં રહેલા કોમ્પ્યૂટર અને લેપટોપ પર પછાડી નુકશાની કરી હતી. આ અંગે આવારા તત્વોનો આતંક મચાવતો વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. ઓફિસમાં આવારા તત્વો દ્વારા તોડફોડ કર્યાનો વિડિયો વાયરલ થતા પ્રદ્યુમન નગર પોલીસ મથકના પીઆઇ વસાવા સહિતના સ્ટાફે વિડિયોના આધારે તપાસ હાથ ધરી છે.