- કેન્દ્રમાં નવી સરકાર બન્યાં બાદ ગુજરાતમાં મોટી ઉથલ પાથલની ભારોભાર સંભાવના: રાજીનામા તૈયાર રાખવાનો આડકતરો ઈશારો
રાજકોટમાં નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા અગ્નિકાંડના બનાવે દેશભરમાં ભારે ચકચાર જગાવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ પર ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠનથી ભારોભાર નારાજ છે. આવતીકાલે અંતિમ તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામની રાહ દિલ્હી દરબાર જોઈ રહ્યું છે. સરકાર અને સંગઠન પર હાઈકમાન્ડ ત્રાટકશે મોટા ફેરફાર તોળાય રહ્યા છે. મુખ્ય કર્તાહતાઓને રાજીનામા લખી રાખવા પણ, આડકતરો ઈશારો કરી દેવામા આવ્યો છે.
મંજુરી વિના ચાર વર્ષથી ધમધમતો ગેમ ઝોન 28 માનવ જીંદગીનો ભોગ લીધો છે. આ અગ્નીકાંડમાં રાજકોટ મહાનગરપાલીકાની જ સૌથી મોટી જવાબદારી છે. પદાધિકારીઓનાં દબાણના કારણે અધિકારીઓને પોતાની જવાબદારી નિભાવવામાં ગુનાહિત બેદરકારી દાખવી અને જીવલેણ દુર્ઘટના માટે નિમિત બન્યા બેજવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ જ ‘યમરાજા’ બન્યા છે.રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજયસભાના સાંસદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠનથી ભારોભાર નારાજ છે. પરંતુ હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી હોવાના કારણે હાઈકમાન્ડ તલવારો મ્યાન કરીને બેઠું છે. અગ્નિકાંડની ઘટનાથી સમસમી ગયેલુ દિલ્હી દરબાર ચૂંટણી પરિણામ બાદ કેન્દ્રમાં નવી સરકારનું ગઠન થતાની સાથે જ આકરી કાર્યવાહી કરે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.
તાજેતરમાં હાઈકમાન્ડ દ્વારા રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે સરકાર અને સંગઠનના કર્તા હર્તાઓની જોરદાર ઝાટકણી કાઢી હતી જેનાથી અનેક મોટા નેતાઓનાં પરસેવા છુટી ગયા હતા. લોકસભાની ચૂંટણીના પરિણામ આવી જવા દો પછી આકરી કાર્યવાહી માટે તૈયાર રહેજો તેવા સ્પષ્ટ સંકેતો આપી દેવામાં આવ્યા છે. આડકતરી રીતે તમામને રાજીનામા લખીને તૈયાર રાખજો તેવો સ્પષ્ટ સંકેતો આપી દેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણીથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા રોષની અસર દેશભરમાં જોવા મળી હતી જેનાથી પક્ષની આબરૂનું ધોવાણ થઈ ગયું હતુ હજી આ ઘટનાની કળ વળે તે પહેલા જ રાજકોટ અગ્નિકાંડની ઘટનાથી દેશભરમાં ભાજપની આબરૂનું ધોવાણ થઈ ગયું છે.
કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના છેલ્લા ચાર-ચાર વર્ષથી ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં ભભૂકેલી વિનાશક આગથી 27 વ્યકિતઓનાં મોત નિપજયા હતા. આ ઘટનામાં ભાજપ શાસિત રાજકોટ માનગરપાલિકાના શાસકો જ જવાબદાર છે. હાલ સીટના પ્રાથમિક રિપોર્ટ અને તપાસમાં અધિકારીઓ પર ગાજ ઉતરી રહી છે. જેના ચાર હાથ હોવાના કારણે અગ્નીકાંડ સર્જાયો તેવા ભાજપના શાસકો બિન્દાંસ ફરી રહ્યા છે. દિલ્હી દરબાર પણ લોકસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. 10 જૂન આસપાસ કેન્દ્રમાં નવી સરકારના ગઠન બાદ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર તોળાય રહ્યા છે.