રાજકોટના આંગણે સાંસદ રામભાઇ મોકરીયાના યજમાન પદે અને પૂ. રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) ના વ્યાસાસને આગામી તા. 17થી ર4 રેસકોર્ષના વિશાળ પટાંગણમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ના મેનેજીગ તંત્રી સતિષકુમાર મહેતાને ભાગવત કથા માટે આમંત્રણ આપવા આવેલા કથાના યજમાન અને સાંસદ રામભાઇ મોકરીયાએ કથા અંગે વિસ્તૃત માહીતી આપી હતી.
મોકરિયા પરિવાર દ્વારા માતા-પિતા વિહોણી ર7 દિકરીઓને લાખેણા કરિયાવર સાથે સાસરે વળાવાશે: મોદી યુગમાં ધર્મનું પ્રશાસન વધુ હોય તેવું લાગ્યા કરે: રામભાઇ
‘અબતક’ ની મુલાકાતમાં કથાના યજમાન અને સાંસદ રામભાઇ મોકરીયાએ આપી માહિતી
તેઓએ સમગ્ર હિન્દુઓની આસ્થારુપ રામલલ્લાનું પ્રાગટય સ્થળ અવધ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાજકોટના આંગણે મોકરિયા પરિવાર દ્વારા યોજાનાર શ્રીમદ્દ ભાગવત સપ્તાહ આ યોગાનું યોગ મંગલ ક્ષણ છે. એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે, રામ મંદિરથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત છે. અન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો બધાને સાથે રાખવાનો હંમેશા પ્રયાસ રહ્યો છે. તેઓએ એમ પણ ઉમેર્યુ હતું કે દેશવાસીઓ દર વર્ષે એક દિવાળી મનાવે છે. પરંતુ હવેથી બે દિવાળી મનાવવાનો માહોલ સમગ્ર દેશમાં સર્જાશે. અને આનંદની વાત તો એ છે કે મોદી યુગમાં જાણે કે ધર્મનું પ્રશાસન આવ્યું હોય તેવું વાતાવરણ ઉભું થયું છે. જયોતિલીંગ અને ધાર્મિકોત્સવ ઉડીને આંખે વળગે તેવા રહ્યા છે.
તેઓએ અન્ય એક પ્રશ્ર્નના ઉતરમાં જણાવ્યું હતું કે, અયોઘ્યા ખાતે રામમંદિર માટે ગામે ગામથી ઇંટો, ઉપરાંત હાલ માટી, અક્ષત વગેરે લોકોની લાગણી જોડવા માટેનો વડાપ્રધાનનો આ અગત્યનો નિર્ણય હોવાનું કહ્યું હતું.
‘અબતક’ પરિવારને હ્રદય પૂર્વક કથામાં નિમંત્રિત કરવાની સાથે સાથે મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે ભગવાન શ્રીરામ, ભાગવત કથાની વાતોની વહેતી સરવાણી વચ્ચે પ્રસાદ રુપે રાજકારણ અને વિકાસની વાતોને પણ વાગોળી હતી. તેઓએ એક પ્રશ્ર્નો ઉતર આપતા કહ્યું કે, આગામી ટર્મ પણ મોદીની હશે તેમાં બે મત નહીં અને દેશમાં વિકાસ, બીઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ મળશે જો કે, આજ પણ સમગ્ર વિશ્ર્વમાં ભારતનો ડંકો વાગે છે.
શ્રીમદ્દ ભાગવત કથા વિશે રામભાઇએ કહ્યું કે, પૂ. ભાઇશ્રી ગુરુ તરીકેનો નાતો રહ્યો છે. અને સૌરાષ્ટ્રના સનાતન ધર્મીઓ કથા શ્રવણ કરે તેવો ભાવ જાગ્યો અને કથાનું આયોજન થયું.
પરંતુ શ્રીમદ્દ ભાગવત કથા દરમિયાન જ અયોઘ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી સમગ્ર દેશમાં થશે ત્યારે રાજકોટ ખાતે પણ કથા મંડપને અયોઘ્યામય બનાવવા અને આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા તલપાપડ છીએ.
રામભાઇ મોકરીયાએ એમ પણ કહ્યું હતું કે, શ્રીમદ્દ ભાગવત કથા દરમિયાન થનાર રાશી ડાયાબીટીસના બાળ દર્દીઓ માટે કામ કરતી સંસ્થા ઝુવેનાઇલ ફાઉન્ડેશન તેમજ પંચનાથ હોસ્પિ. ખાતે એમ.આર.આઇ. મશીન માટે અપાશે. ઉપરાંત માતા-પિતા વિહોણી ર7 દિકરીઓનો લગ્નોત્સવ ધામધુમથી ઉજવાશે અને લાખેણા કરિયાવર સાથે દિકરીઓને સાસરે વળાવાશે જેનો તમામ ખર્ચ મોકરિયા પરિવાર ભોગવશે.
શ્રીમદ્દ ભાગવત કથામાં સર્વે સમાજનો સહયોગ મળ્યો છે. અને આ કથા શ્રવણનો લાભ લેવા દરેક ધર્મપ્રેમિ જનતાને આયોજન રામભાઇ મોકરીયા દ્વારા અનુરોધ કરાયો છે.