આચાર્ય ડો.એ.એસ. પંડ્યા અને એન્જિનિયરિંગ વિભાગના વડા હિમાલી રૂપારેલીયાની મહેનત રંગ લાવી
સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી જૂની અને પ્રથમ એન્જીયરીંગ કોલેજની અસ્મિતા ધરાવનાર કોલેજ એ.વી.પી.ટી.આઈ-રાજકોટએ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. આ સંસ્થા નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનની માન્યતા પ્રાપ્ત કરતી સૌરાષ્ટ્ર-કચ્છની પહેલી સરકારી ઈજનેરી સંસ્થા બની છે, જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ ઘટના છે.તાજેતરમાં જ એ.વી.પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનની એક્સપર્ટની ટીમે કોમ્યુટર એન્જીનીયરીંગ વિભાગની મુલાકાત લઈને સમગ્ર સંસ્થાના શૈક્ષણિક માપદંડોની ચકાસણી કરી હતી. શૈક્ષણિક ગુણવત્તા અને જાહેર જવાબદારીમાં સતત સુધારો કરતા રહેવાના આશયથી શિક્ષણની સતત ગુણવત્તા જાળવીને તેની પ્રક્રિયાામાં ઉતીર્ણ થનાર સંસ્થાને જ આ માન્યતા મળે છે.
વિદ્યાર્થીઓને આપવામાં આવતી રીચનેસ ઓફ નોલેજ, શિક્ષણથી લઈને પ્લેસમેન્ટની સુવિધા, ટેકનિકલ ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ જેવા અનેક માપદંડોની ચકાસણી કરવામાં આવે છે.એન.બી.એ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને શ્રીલંકા, યુએસએ, યુકે,મલેશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, તેમજ વોશિંગ્ટન એકોર્ડના સભ્યો સહિતના મોટાભાગના દેશોમાં અભ્યાસની મંજૂરી મળે છે. એ.વી.પી.ટી.આઈ-રાજકોટને ઇલેક્ટ્રિકલ, બાયોમેડિકલ અને કોમ્પ્યુટર એડેડ ડ્રેસની ડિઝાઇન મેકિંગના ત્રણ કોર્સીસ માટે NBAની પ્રક્રિયામાંથી પસાર થવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
એ.વી.પી.ટી.આઈ-રાજકોટ ખાતે કોમ્પ્યુટર, ઈ.સી, ઈલેક્ટ્રીકલ , બાયો-મેડીકલ , આઈ.સી, કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ (ફક્ત વિદ્યાર્થીનીઓ માટે) કાર્યરત છે. રાજકોટના હાર્દસમા વિસ્તારમાં આવેલી આ સરકારી શૈક્ષણીક સંસ્થા ખાતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સહિત બોયઝ અને ગર્લ્સ માટે અલગ હોસ્ટેલની સગવડ પણ ઉપલબ્ધ છે.
નામાંકિત કંપનીઓ અને જોબ ફેરમાં સંસ્થાના સૌથી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયેલ છે. સંસ્થા ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ યોજનાનું સૌરાષ્ટ્ર – કચ્છ ખાતેનું રીજીયોનલ સેન્ટર અને ફિનિશિંગ સ્કુલ પણ કાર્યરત છે. સંસ્થાના આચાર્ય ડો.એ.એસ.પંડ્યા, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના વડા શ્રીમતી હિમાલી રૂપારેલિયા, સમગ્ર કોમ્પ્યુટર વિભાગના ફેકલ્ટી-સ્ટાફ મેમ્બર્સ, સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ, સ્ટેકહોલ્ડર્સ, મેન્ટર,ગાઈડના અથાગ મહેનતના પરિણામે આ સંસ્થાને એન.બી.એ. માન્યતા પ્રાપ્ત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.