જો દરરોજ બ્રશ કરવાથી તમારા દાંત આજીવન સ્વસ્થ રહેશે તેવું તમે માનતા હોય તો તમારી આ માન્યતા સદંતર ખોટી છે. દાંતને થતાં નુકશાનથી બચવા બ્રશ કરવા સીવાયની અન્ય કાળજીઓ પણ રાખવી પડે છે. સામાન્ય રીતે આપણી કુટેવોના કારણે દાંત કે પેઢાને નુકશાન થતું હોય છે. એક વખત થઈ ગયેલું નુકશાન સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિને ખટકે છે. માટે આજે આપણે એવી પાંચ કૂટેવો અંગે જાણવા જઈ રહ્યાં છીએ જે દાંતને ખુબજ નુકશાન કરાવી શકે છે.
– સુતા પહેલા બ્રશ ન કરવાની કુટેવ: રાત્રે સુતા પહેલા બ્રશ કરવાની આળશ મોટાભાગના લોકો અનુભવતા હોય છે. દાંતની જાળવણી માટે દિવસમાં બે વખત તો બ્રશ કરવું ખુબજ જરૂરી છે. મોટાભાગના લોકો રાત્રે બ્રશ કરતા નથી. માત્ર સવારે જ બ્રશ કરવાની વાતને યોગ્ય માને છે. જો કે, રાત્રે પણ બ્રશ કરવું સવાર જેટલું જ જરૂરી છે. માટે રાત્રે સુતી વખતે બ્રશ કરવાની આદત રાખો અને બાળકોને પણ શિખવો.
– કઠણ ટૂથબ્રશનો ઉપયોગ કરવાની આદત: તમારુ ટૂથબ્રશ પણ દાંતની સમસ્યા સાથે સંકળાયેલું હોઈ શકે. જે ટૂથબ્રશ કઠણ હોય તેનાથી દાંતને નુકશાન થઈ શકે માટે આવી પરિસ્થિતિમાં કડક ટૂથબ્રશથી બ્રશ કરવું ટાળવું જોઈએ. આવું ટૂથબ્રશ દાંતમાં ઘસરકા લાવી શકે છે. જેમાં પર્દાથ ભરાવાથી સડો થઈ શકે તેવી દહેશત રહે છે. આ ઉપરાંત ટૂથબ્રશ થોડા મહિને બદલી નાખવું પણ જરૂરી છે.
– કોગળા ન કરવાની કૂટેવ: ઘણા લોકો બ્રશ કર્યા બાદ કોગળા કરતા નથી. બ્રશ કર્યા બાદ કોગળા કરવાનું ક્યારેય ભુલવું જોઈએ નહીં. બે દાંત વચ્ચે ફસાયેલા પર્દાથને કોગળા કરવાથી કાઢી શકાય છે. માટે સમયાંતરે કોગળા કરવા જરૂરી છે. જેનાથી દાંતનું સ્વાસ્થય જળવાઈ રહેશે.
– ખૂબજ સોડા પીવાની આદત: સોડા સહિતના કાર્બોનેટેડ ડ્રિંકસ દાંત માટે ખુબજ જોખમી છે. આ ડ્રિંકસ દાંતને સીધુ નુકશાન કરે છે. દાંત ઓગળી પણ શકે છે. આ ઉપરાંત ડ્રિંકસમાં સુગરનું પ્રમાણ ઉંચુ હોવાથી દાંતમાં સડો થવાનું જોખમ હરહંમેશા રહેતું હોય છે જેથી સોડા પીવાની આદતથી દૂર રહેવું જોઈએ.
– ધ્રુપ્રપાન કરવાની કુટેવ: ધુમ્રપાન કરવું માત્ર તમારા ફેફસા માટે જ નહીં પરંતુ દાંત માટે પણ અતિ જોખમી નિવડી શકે છે. ધુમ્રપાનથી શરીરના અનેક અંગોને નુકશાન થાય છે. ધુમ્રપાન દાંતના પેઢાને નુકશાન પહોંચાડે છે અને દાંત પણ કાળા પાડે છે. દાંતમાં સડો પણ લાવી શકે છે. જેથી ધુમ્રપાન મુકી દેવું હિતાવહ છે.