રાજય સરકારના સહયોગથી 1લી જાન્યુ.એ આંતરરાજય હવાઇ સેવાનો શુભારંભ
પ્રકલ્પના આરંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશા, ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી, ઉડ્ડયન રાજયમંત્રી અરવિંદ રૈયાણી, પેટ્રો કેમિકલ્સ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ, શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદ મોરડીયા, ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહીતના મહાનુભાવો રહેશે ખાસ ઉપસ્થિત
ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈના હસ્તે આગામી તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના આરંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ વિશેષ ઉપસ્થિત રહેશે.
આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.1 જાન્યુ.2022 થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.
વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટ, સુરતથી અમદાવાદ 60 મિનિટ અને સુરતથી રાજકોટ 60 મિનિટ સફર પૂર્ણ થશે.
રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં મેયર હેમાલીબેન બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ સી.ઇ.ઓ. ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.