ખર્ચની કોઇપણ પ્રકારની મર્યાદા વગર તમામ બીમારીઓની નિ:શુલ્ક સારવાર 29 ટીમો દ્વારા કરાતું બાળકોનું નિયમિત સ્ક્રિનિંગ
“રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ અનેક બાળકોને દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી ખર્ચની કોઇ પણ પ્રકારની મર્યાદા વગર તમામ બીમારીઓની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. વીંછીયા તાલુકાના ઢેઢુકી ગામના વનરાજભાઇના ઘરે પણ અચાનક દુ:ખદાયક પ્રિસ્થિતિ ઉભી થઇ… વનરાજભાઇ દુમડીયાની દિકરી અવંતિકા જન્મથી જ હૃદયની ખામી ધરાવતી હતી. પણ આજે અવંતિકાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર સઘન સારવાર આપી આ ખામી દૂર કરવામાં આવી છે.
વીંછીયા તાલુકાનાં ઢેઢુકી ગામના વનરાજભાઈ દુમડિયાની દીકરી અવંતિકાનો તા.14/09/2022 ના રોજ જન્મ થયો હતો. આ બાળકીને જન્મથી જ કંઈક તકલીફ હોવાનું તેના માબાપને લાગતું હતું. અવંતિકાને પેટ ભરાવતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવાની ફરિયાદ સાથે સબ સેન્ટર ઢેઢુકી ખાતે લઇ આવ્યા, જયાં આર.બીએ.એસ.કે. ટીમના ડો. સાગર સાંબડ અને ડો. રિપલ વીરજાએ આ બાળકીનું તારીખ 02/03/2023ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા તેને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી જયાં તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા તેને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં નિ:શુલ્ક સારવાર માટે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે મોકલી અવંતિકાને સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રીફર કરવામાં આવી જ્યાં નિષ્ણાત તબીબોએ આ બાળકીને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી.
આર.બી.એસ.કે. અંતર્ગત બાળકોના જન્મ સમયે પી.એચ.સી., વેલનેસ સેન્ટર, આંગણવાડી અને શાળાઓમાં પણ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવે છે. જેમાં જરા પણ તકલીફ જણાય તો તાત્કાલિક જરૂરી રીપોર્ટ અને બધી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવસે છે, અને જરૂર પડયે વધુ સારવાર માટે બાળકને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. અમદાવાદ ઓપરેશન માટે જવા આવવાના પૈસા પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઘણી વાર બાળકને ગંભીર તકલીફ હોય તે માતા પિતાને સારવાર માટે જરૂરી કાઉન્સેલિંગ પણ ડોકટરો પુરૂં પાડે છે. અને માતા પિતા સાથે ત્રણથી ચાર વખત મુલાકાત કરીને પણ તેમનું બાળક તંદુરસ્ત બને તે માટે તેમને સારવાર લેવા સહમત કરે છે. રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે.ની 29 ટીમ કાર્યરત છે. દરેક ટીમમા 1 સ્ત્રી ડોકટર,1 પુરુષ ડોકટર, 1 ફાર્માસિસ્ટ અને 1 ફીમેલ હેલ્થ વર્કર દ્વારા નિર્ધારિત વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે.