દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત દેશભરમાં ઠંડીનું મોજું
હિમાચલ પ્રવેશ અને જમ્મુ કાશ્મીરમાં અતિ ભારે બરફવર્ષાના પગલે હિમપ્રપાત થયો છે તેના પગલે ઉત્તર ભારત સહીત દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે એટલે કે માયનસ ડીગ્રી થઇ ગયું હતું. આબુનું પ્રસિઘ્ધ નખી લેક માયનસ ડીગ્રી તાપમાનમાં થીજી ગયું હતું. મતલબ કે જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઇ હતી.
દેશની રાજધાની નવી દિલ્હીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચું તાપમાન શુક્રવારે નોંધાયું હતું આ સિવાય પંજાબ, હરિયાણા પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા બંને રાજયોમાં મોડે સુધી ઘુમ્મસ છવાયેલું રહ્યું હતું.
જમ્મી – કાશ્મીરમાં હિમપ્રપાતના કારણે જમ્મુ શ્રીનગર એકસપ્રેસ હાઇવે બંધ કરી દેવાની સત્તાધીશોને ફરજ પડી હતી. બરફનું તોફાન શમ્યા બાદ હાઇવે પુન: યથાવત કરવા કામગીરી શરુ કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં માયનસ ૯-૮ ડીગ્રી, પહલગામ માયનસ ૬.૫ ડીગ્રી, કારગીલ માયનસ ૮, શ્રીનગર માયનસ ૧.૫, મનાલી માયનસ ૬.૩, ચંદીગઢ ૧૨.૮, અંબાલા ૧૦.૯ , રોહતક ૯.૭, અમૃતસર ૯.૪ માઉન્ટ આબુ ર, જેસલમેર ૮.૩ અને અલ્વરમાં ૬.૨ ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.
ટૂંકમાં હિમાચલ અને કાશ્મીરમાં થયેલી ભારે હીમવર્ષાને પગલે ઉત્તર ભારતીય રાજયો સહિત દેશભરમાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. ગુલાબી ઠંડી હવે જામી છે.
કેન્દ્રીય હવામાન ખાતાના વર્તારા મુજબ હજુ પણ જમ્મુ કાશ્મીરના અમુક જીલ્લા અને હિમાચલ પ્રદેશના ચોકકસ ભાગમાં ભારેથી અતિભારે હિમવર્ષા થઇ શકે છે. આગામી ર૪ કલાકમાં ઠંડીનો વધુ આકરો ચમકારો જોવા મળશે તે નકકી છે.