મહાસત્તામાં 45 વર્ષનો ઐતિહાસિક હિમ પ્રકોપ!!
બર્ફીલા તોફાનને લીધે અનેક વિસ્તારોમાં તાપમાન માઇનસ 40 ડીગ્રી સુધી પહોંચ્યું !!
વિશ્વભરમાં મહાસત્તા કહેવાતું અમેરિકામાં વર્ષ 1977માં જેવો હિમપ્રકોપ સર્જાયો હતો તેવો જ હિમપ્રકોપ ફરીવાર જોવા મળી રહ્યો છે. ખ્રિસ્તીઓના સૌથી મોટા પર્વ નિમિત્તે અમેરિકાના અનેક રાજ્યોમાં લોકો ઘરની બહાર પણ નીકળી શક્યા નથી. બર્ફીલા તોફાનને લીધે અમેરિકામાં તબાહી સર્જાઈ ગઈ છે. છેલ્લા અહેવાલ અનુસાર 34 લોકોના ઠંડીમાં ઠૂંઠવાઈ જતા મોત નિપજ્યા છે. હજારો ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે અને લાખો ઘરોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ છે બરફનું તોફાન. સામાન્ય રીતે જે સ્નોફોલ જોવા અને જેની મજા માણવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે એ જ બરફ જ્યારે તોફાનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી સ્થિતિ સર્જાય એનાથી હાલ દરેક અમેરિકન વાકેફ થઈ ગયા છે. અમેરિકામાં આવેલાં બોમ્બ ચક્રવાતને કારણે હાલ હજારો વિમાનો થંભી ગયા છે. મુસાફરો અટવાયેલાં છે અને ધંધા-રોજગારને માઠી અસર પહોંચી રહી છે. બીજી તરફ બરફીલાં તોફાનને કારણે અંદાજે 34 થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. જેને કારણે અમેરિકાની ચિંતામાં પણ વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, બરફનું તોફાન અમેરિકા પહોંચી ગયું છે. આ બોમ્બ ચક્રવાતના કારણે 34 લોકોના મોત થયા છે. સમગ્ર યુ.એસ.માં બરફ સાથે બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકામાં 6000 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, દેશભરની એરલાઈન્સે રવિવારે બપોર સુધી લગભગ 6000 યુએસ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. જેના કારણે રજાઓ પર જતા હજારો લોકો નિરાશ થયા છે.
બરફના તોફાનને જોતા એરલાઈન્સે આ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. સમગ્ર અમેરિકામાં બરફની સાથે બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. કેનેડાની સરહદ નજીક હાવરે, મોન્ટાનામાં માઈનસ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વિમાન, રેલ સહિતની પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. અનેક જગ્યાએ વાહનો બરફમાં ફસાયા છે. આ સિવાય ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. હજારો અમેરિકનો એરપોર્ટ પર ફસાયેલા છે. 20 કરોડ લોકો એટલે કે દેશની લગભગ 60 ટકા વસ્તી કડકડતી ઠંડીનો સામનો કરી રહી છે.
સમગ્ર અમેરિકામાં તોફાન માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશની ઉર્જા વ્યવસ્થા પડી ભાંગી છે. વાવાઝોડાને કારણે ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે. 20 લાખથી વધુ ઘરોમાં વીજળી ફેલ થઈ ગઈ છે.
રસ્તાઓ પર 8-8 ફૂટ બરફના થર જામ્યા: લાખો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો
બફેલોના વતની અને ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે એવું લાગે છે કે જાણે આ વિસ્તાર યુદ્ધનું મેદાન હોય. રસ્તાઓની બાજુમાં પડેલા વાહનોની સંખ્યા ચોંકાવનારી છે. જ્યાં આઠ ફૂટ (2.4-મીટર) બરફ પડ્યો છે અને પાવર આઉટેજને કારણે વધુ જીવલેણ સ્થિતિ સર્જાઈ છે. હોચુલે રવિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના લોકો હજુ પણ અત્યંત જોખમી જીવલેણ પરિસ્થિતિની પકડમાં છે. તેમણે વિસ્તારના દરેક લોકોને ઘરની અંદર રહેવા ચેતવણી આપી હતી. જ્યારે અમેરિકાના ઘણા પૂર્વી રાજ્યોમાં 2 લાખથી વધુ લોકોએ વીજળી વિના ક્રિસમસ પસાર કરવી પડી હતી. અમેરિકાના 9 રાજ્યોમાં બોમ્બ ચક્રવાતને કારણે 34 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં કોલોરાડોમાં 4 લોકોના મોતનો પણ સમાવેશ થાય છે. ન્યૂયોર્ક રાજ્યમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. ત્યાંના અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે.
નાતાલ પર્વે મુસાફરી માટે નીકળેલા હજારો લોકો એરપોર્ટ પર ફસાયા: 5200 ફ્લાઇટ્સ રદ્દ
ઇમરજન્સી સર્વિસ ક્રૂને બચાવ મદદની જરૂર હોય તેવા લોકોને શોધવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેમને કલાકો સુધી વાહનોમાં અને બરફ નીચે મૃતદેહો શોધવા પડે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થિર પાવર સબસ્ટેશનોને કારણે મંગળવાર સુધી કેટલાક લોકોના ઘરોમાં વીજળી પરત આવે તેવી અપેક્ષા નહોતી. જ્યારે એક થીજી ગયેલું સબસ્ટેશન 18 ફૂટ બરફ નીચે દટાઈ ગયું હોવાનું કહેવાય છે. ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેર.કોમ અનુસાર, રવિવારે 2400 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. એટલાન્ટા, શિકાગો, ડેનવર, ડેટ્રોઇટ અને ન્યૂયોર્ક સહિતના એરપોર્ટ પર ક્રિસમસ ડે દરમિયાન મુસાફરો અટવાયા હતા.