સોમથી શુક્રવાર સુધી સવારે ૯ થી ૧૦:૩૦ સુધી ડો.પ્રશાંત ગણાત્રા અને ડો.વીરલ નિર્મલ સેવા આપશે: સપ્તાહમાં ત્રણ દિવસ હોમિયોપેથીક ડો.ધવલ કરકરે પણ નિદાન કરશે
પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટમાં હવે આયુર્વેદિક અને હોમિયોપેથિકની સારવાર પણ ઉપલબ્ધ બનવા પામી છે. માત્ર રૂ.૩૦ની નજીવી ફી ચુકવી હવે દર્દીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સારવાર મેળવી શકશે. આ સાથે તેમને એક સપ્તાહની દવા પણ આપવામાં આવશે.
આ માટે ખ્યાતનામ ડોકટરો ડો.વીરલ નિર્મલ અને ડો.પ્રશાંત ગણાત્રા સોમવારથી શુક્રવાર સુધી સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ટ્રસ્ટમાં સેવા આપશે. આ ઉપરાંત જાણીતા ડોકટર ધવલ કરકરે પણ સપ્તાહમાં ત્રણ દિવસ દર્દીઓનું નિદાન કરનાર હોવાનું ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું. સાથે તેમણે જરીયાતમંદ દર્દીઓને આ સેવાનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.
દેવાંગભાઈ માંકડે વધુમાં જણાવ્યું હતું કે, પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટમાં અત્યાર સુધી સોનોગ્રાફી, એકસ-રે, લેબોરેટરી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, ઈકોકાર્ડીયોગ્રામ, બાયોપ્સી સહિતની સુવિધા દર્દીઓને રાહતદરે આપવામાં આવતી. જયારે હવે અહીં આયુર્વેદિક અને હોમિયોપેથી ડોકટરોની સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની સંજીવની સીમ્સ સહિતની હોસ્પિટલોમાં સેવા આપી ચુકેલા જાણીતા હોમિયોપેથી ડોકટર વિરલ નિર્મલ હવે આ ટ્રસ્ટમાં સેવા આપશે.
તેઓ સવારે ૯ થી ૧૦:૩૦ દરમિયાન દર્દીઓનું નિદાન કરશે. આવી જ રીતે આયુર્વેદિક પઘ્ધતિથી નિદાન કરવા માટે જાણીતા ડો.પ્રશાંત ગણાત્રા પણ હવે આ ટ્રસ્ટમાં સેવા આપશે. આયુર્વેદિક પધધતિથી સારવાર કરવાથી બિમારી જડમૂળમાંથી દુર થતી હોય છેલ્લા ઘણા સમયથી લોકો આયુર્વેદિક પઘ્ધતિથી સારવાર કરાવવાનો આગ્રહ રાખતા હોય આ વાતને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા આ સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
તેમજ એકસ-રે વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જયારે વિવિધ જાતના પરીક્ષણ જેવા કે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, સુગર ટેસ્ટ, થાઈરોઈડ સહિતના ટેસ્ટ માટે અદ્યતન લેબોરેટરીની સેવા પણ રાહત દરે દર્દીઓને આપવામાં આવે છે. દાંતની બિમારી માટે ડેન્ટલ વિભાગ, કસરત માટે ફિઝીયોથેરાપી વિભાગ ઉપરાંત ઈકોકાર્ડીયોગ્રામ અને બાયોપ્સી સહિતની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટનો મોટાભાગના દર્દીઓ લાભ લઈ રહ્યા છે.
આ ટ્રસ્ટની પ્રવૃતિને સફળ બનાવવા માટે પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ચાવડા, મંત્રી તનસુખભાઈ ઓઝા, ખજાનચી મહેન્દ્રસિંહજી આર.ગોહિલ તથા અન્ય ટ્રસ્ટીઓ મયુરભાઈ શાહ, ડી.વી.મહેતા, મીતેષભાઈ એમ.વ્યાસ, નિતીનભાઈ ડી.મણીયાર, નારણભાઈ કે.લાલકિયા, વસંતભાઈ કે.જસાણી તથા મનુભાઈ એ.પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.