જાહેરકે ખાનગી માલિકીના બગીચાઓ, મોટાં મેદાનો, જાહેર સ્થળો વગેરે સ્થળોએ ઉગી નીકળેલાં ઘાસ કાપવા માટે કે ખાસ ઉગાડેલી લોનને ટ્રીમ કરીને વ્યવસ્થિત કરવા માટે સમય, શક્તિ અને નાણાનો વ્યય થાય છે.વિદ્યુતથી ચાલતાં ઉપકરણોને કારણે કામની ગતિ અને ગુણવત્તા વધ્યાં છે પરંતુ ઘણા જાહેર સ્થળોએ પાવર સપ્લાયના પ્રશ્નો હોય છે ત્યાં જાતે જ એ કામ કરવું પડતું હોય છે. આ બાબતનો ઉકેલ આત્મીય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં ઈલેક્ટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન એન્જીનીયરીંગનો અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓએ શોધી કાઢયો છે. તેમણે સૌર ઉર્જાથી સંચાલિત ઓટોમેટીક સોલાર ગ્રાસ કટર વિકસાવ્યું છે. જેનાથી સમય, શક્તિ અને નાણાની મોટા પ્રમાણમાં બચત થાય છે.
આત્મીયની આ ત્રણ વિદ્યાર્થીનીઓ સુશ્રી દેબસ્મિતા ડે, ભક્તિ પટેલ અને અંજુ પેયાપીલ્લાઈએ આ વિશિષ્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે બગીચાઓની જાળવણી અને ઘાસ કાપવા માટે અતિ ઉપયોગી છે. આ પ્રોજેક્ટના તૈયાર કરાયેલાં મોડેલમાં દસ વોટની સોલાર બેટરીનો ઉપયોગ થયો છે. જે ચલિત સોલાર પેનલથીચાર્જ થાય છે.સૂર્યપ્રકાશમાં ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઇ જતી આ બેટરીથી ગ્રાસ કટર દરરોજના છ કલાક પ્રમાણે છ દિવસ સુધી ચાલી શકે છે. એટલે કે એકવાર ચાર્જ થયા બાદ છત્રીસ કલાક સુધી તે કામ આપે છે. આ સ્વચાલિત યંત્રપ્રણાલી સૌર ઉર્જાથી ચાલતી હોવાથી પાવર સપ્લાયની જરૂર પડતી નથી. ડીવાઈસ ડાયરેકશનને કારણે તે પોતાની રીતે જ દિશા નક્કી કરી લેતી હોઈ જાતે જ કામ કરી શકે છે. તેને કારણે માળીની જરૂર રહેતી નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જાહેર બગીચાઓ અને મેદાનોની જાળવણીમાં આ પ્રણાલી ઉપકારક સિધ્ધ થઇ શકે તેમ છે. શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવેલ આ મોડેલ પરથી વ્યવસાયિક ઉત્પાદન કરવામાં આવે તો પર્યાવરણની જાળવણીના ક્ષેત્રે ક્રાંતિ આવી શકે. આત્મીય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સનાં ઈલેક્ટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો. આશિષ કોઠારી અને પ્રો.તુષાર મહેતાનાં પ્રત્યક્ષ માર્ગદર્શનમાં વિદ્યાર્થીનીઓએ આ વિશિષ્ઠ યંત્ર પ્રણાલી વિકસાવી છે.તાજેતર માં GTU દ્વારા યોજાયેલ સ્ટેટ લેવલના ટેક – ફેસ્ટ માં આ મોડેલે સહુનાં આકર્ષણનું કેન્દ્ર બનીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
યોગી ડિવાઈન સોસાયટીની મહિલા પાંખના અધ્યક્ષ સાધ્વી સુહ્રદે ‘આત્મીય’ની વિદ્યાર્થીનીઓએ વિકસાવેલી આ વિશિષ્ટ પ્રણાલી અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી છે. વિદ્યાર્થીનીઓ અને માર્ગદર્શક અધ્યાપકોને અભિનંદન આપતાં તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રણાલીએ સમાજના દરેક સ્તરે વિજ્ઞાનની ઉપયોગીતા તો સાબિત કરવા ઉપરાંત ‘આત્મીય’માં વિદ્યાર્થીઓને મળતા અન્યને ઉપયોગી થવાના સંસ્કારની અભિવ્યક્તિ પણ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com