બીઆરટીએસ રૂટ પરનાં ૧૫ સર્કલ અને અન્ય ૧૫ સર્કલો પર ૨૬મી જાન્યુઆરી સુધીમાં એટીસીએસ મુકી દેવાશે : રેડ સિગ્નલ તોડનાર વાહન ચાલકને ઘેર દંડનો ઈ-મેમો મોકલાશે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરનાં ૩૦ સર્કલો પર ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. રાજમાર્ગોને દબાણમુકત રાખવા માટે આગામી બે દિવસમાં પોલીસ અને મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમો ત્રાટકશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બીઆરટીએસ રૂટ પર આવેલા ૧૫ સર્કલ અને શહેરનાં અલગ-અલગ અન્ય વિસ્તારોમાં ૧૫ સર્કલ ખાતે ઓટોમેટીક ટ્રાન્સપોર્ટેશન કંટ્રોલ સિસ્ટમ અર્થાત એટીસીએસ કાર્યરત કરવામાં આવશે. આ કામ ૨૬મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જાય તે માટે એજન્સીને તાકિદ કરવામાં આવી છે. એટીસીએસમાં રેડ લાઈટ વાયોલન્સ ડીટકશન (આરએલવીસી) સિસ્ટમ પણ હશે જેનાથી જો કોઈ વાહન ચાલક રેડ સિગ્નલ તોડશે તો આપોઆપ ઈ-મેમો તેનાં ઘરે મોકલી દેવામાં આવશે. એટીસીએસ સિસ્ટમ એવી છે કે જેનાથી ટ્રાફિક સિગ્નલ આપોઆપ કંટ્રોલ થશે. કોઈ એક સાઈડ પર વધુ ટ્રાફિક હશે તો ટાઈમર તે રીતે ગ્રીન સિગ્નલ કે રેડ સિગ્નલ ચાલુ-બંધ કરશે.
રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી.ના સેવોતમ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં અલગ-અલગ મુખ્ય સર્કલો પર કુલ ૧૯ નવા ટ્રાફિક સિગ્નલ તથા હયાત જુના ટ્રાફિક સિગ્નલ દુર કરી તેની જગ્યાએ ૧૧ નવા એમ કુલ ૩૦ નંગ એડપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે જેનું અંદાજીત કુલ રૂપિયા ૧૧,૭૪,૦૦,૦૦૦/- ના ખર્ચ થનાર છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશના અમુક રાજ્યના મુખ્ય શહેરોએ અપનાવેલ નવી ટેકનોલોજી મુજબના એટીસીએસ ટ્રાફિક સિગ્નલ કે જે અત્યારની સૌથી લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી હોય, જેનું સંપૂર્ણ કંટ્રોલ એન્ડ મોનીટરીંગ આઈસીસીસી ખાતે નવા બનનાર ડેટા સેન્ટરમાંથી થશે. આ ટેકનોલોજી અંતર્ગત ટ્રાફિક સિગ્નલ પર વાહનોને ડિટેક્ટ કરીને ટ્રાફિક સિગ્નલના સમયને વધારી અને ઘટાડી શકે છે આમ આ ટેકનોલોજીથી ટ્રાફિક જંકશન પર થતા સમયના વ્યયને ઘટાડી શકાય છે. જેમ કે શહેરના કોઈ પણ સર્કલ કે ચોક પર આ સિસ્ટમ લગાવવાથી જે તરફના રસ્તા પર વધુ ટ્રાફિક છે તે તરફના રસ્તા પરના વાહનોને પસાર થવા માટે વધુ સમય મળશે અને જે તરફના રસ્તા પર ઓછો ટ્રાફિક છે તે તરફના રસ્તાને ટ્રાફિક પ્રમાણે પસાર થવા માટે સમય મળશે. જેનાથી સમયનો પણ બચાવ થશે અને વાહનોને પસાર થવા માટે પુરતો સમય પણ મળી રહેશે.
રાજકોટ શહેરમાં માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોક, જીલ્લા પંચાયત ચોક, મક્કમ ચોક, નાણાવટી ચોક, ઇન્દીરા ચોક, લવલી ગેસ્ટ હાઉસ પાસે, ભૂતખાન ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ચોક-જવાહર રોડ, કોર્પોરેશન ચોક, બીગ બજાર સર્કલ, આજીડેમ ચોક, રૈયા ચોક, કોસ્મો ચોક-નવા રીંગ રોડ, કે.કે.વી. ચોક, પુનીત નગર ચોક, મવડી ચોક, રૈયા ટેલીફોન ચોક, જડુશ ચોક, રાજનગર ચોક, નાનામવા ચોક, રામદેવપીર ચોક, હનુમાન મઢી ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, નાગરિક બેંક ચોક, જામટાવર ચોક વિગેરે સ્થળો મળીને કુલ ૨૯ સ્થળો પર ટ્રાફિક સિગ્નલ લોકેશન લગાવવામાં આવેલ છે, અને હાલ ૩૦ મુ સિગ્નલ લગાવવા માટે સ્થળ નક્કી થશે.