એકસાઈઝ ફ્રિ ઝોનમાં રોકાણ કરતી કંપનીઓને છૂટછાટ આપવા માંગ કરાઈ
એકસાઈઝ ફ્રિ ઝોનમાં આવતી ઓટો, એફએમસીજી અને ફાર્મા કંપનીઓને સેન્ટ્રલ જીએસટીમાં રિફંડ મળે તેવી શકયતામાં વધારો થયો છે. કારણ કે, રિફંડ બાબતે કેબીનેટ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં ઓટો, એફએમસીજી અને ફાર્મા કંપનીઓને રિફંડ આપવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
અગાઉ ભારતમાં કોમન માર્કેટ બનાવવા માટે તમામ દરખાસ્તોને પેન્ડીંગ રાખવામાં આવી હતી. જો કે હવે ઈએફસી દ્વારા એકસાઈઝ ફ્રિ ઝોનમાં રોકાણ કરતી કંપનીઓને છૂટછાટ આપવાની દિશામાં કામગીરી કરવામાં આવે તેવી શકયતા વધી છે. જે રાજયોમાં ઔદ્યોગિક વિકાસ ઓછો છે તેવા રાજયોમાં એકસાઈઝ ફ્રિ ઝોન બનાવીને ઉદ્યોગોને રોકાણો માટે આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેથી હવે આ કંપનીઓને સેન્ટ્રલ જીએસટીમાં રિફંડ મળતા ઔદ્યોગિક વિકાસમાં વધારો થશે અને તેનો ફાયદો ગ્રાહકોને પણ મળી રહેશે. જીએસટી લાગુ થયા બાદ તેમાં ઘણા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે જેનો એક પછી એક નિકાલ થઈ રહ્યો છે. જો કે, રિફંડ માટે પણ પહેલા કંપનીઓએ જીએસટીની ચૂકવણી કરવી પડશે ત્યારબાદ સેન્ટ્રલ જીએસટીના રિફંડ માટે દરખાસ્ત કરી શકાશે.