બ્રોકરર ચેર- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વ્યાખ્યાનમાં નગીનદાસ સંઘવીના શિક્ષણ વિશેના પ્રહારો

ગુજરાતી સાહિત્યના પ્રખર અને જાણીતા વાર્તાકાર એવા પદ્મશ્રી ગુલાબદાસ બ્રોકરની સ્મૃતિમાં છેલ્લા દસ વર્ષથી સતત કાર્યરત એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બ્રોકર ચેર દ્વારા સમયાંતરે અનેકા એક સાહિત્યિક જ્ઞાનવર્ધક કાર્યક્રમોના આયોજનો થતા રહે છે. એ જ શ્રૃંખલામાં તાજેતરમાં આવા જ એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન થયું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના વ્યાસ સેમીનાર સભાખંડ ખાતે શિક્ષણ પ્રેમી સાહિત્યપ્રેમી અને ભાવકો તેમજ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમના મુખ્ય વકતા, ધારદાર લેખક, તત્વચિંતક ૯૯ વર્ષના યુવાન નગીનદાસ સંઘવીએ શિક્ષણ ગઇકાલ અને આજ એ વિષય અંતર્ગત પોતાના ધારદાર વિચારો રજુ કરતા કહ્યું હતું કે જુની પેઢી પાસે જે જ્ઞાન હોય એ નવી પેઢીને (સુધી) પહોચાડવું એ શિક્ષણનો એક હેતું છે. બાળકને ખોટું બોલતા નથી આવડતું એ તો આપણે તેને ખોટું બોલતા શીખવીએ છીએ. એ અર્થમાં શિક્ષણ હંમેશા લાભદાયી જ હોય એવું જરુરી નથી. જુની પેઢીએ બાંધી રાખેલી મર્યાદાઓને તોડીને ઓળંગીને આળ જવાની જો તમારી તૈયારી ન હોય તો તમે સમાજને માટે બહુ કામના નથી. ડાહ્યો માણસ પોતાની જાતને જાળવી રાખે, પોતાનું ઘર સારું રાખે કુટુંબીજનોને પોષે પણ એ બૌ કામનું નહીં ! આ દૂનિયાને ગાંડા માણસની જરુર છે. ગાંધી ગાંડો જ હતો ને આ અર્થમાં ! સમાજનો વિકાસ હંમેશા આવા ગાંડા માણસોથી જ થાય. શિક્ષણ બેધારી તલવાર છે. શિક્ષણ એટલે જે વિઘાર્થી પોતાના ગુરુની ભૂલ ન શોધી શકે તો એ વિઘાર્થી નકામો. શિક્ષણ કોઇને આપી શકાતું નથી. શિક્ષણ આપવું શકય જ નથી. હું મારી વાત -વિચાર તમારી પાસે મૂકી શકું. પણ એનો સ્વીકાર કરવો ન કરવો એ તો તમારા જ હાથમાં છે. શિક્ષક માત્ર આંગળી ચીંધી  શકે, શિક્ષક એક ખાણ છે એને ખોદવો પડે.

નગીનબાપાએ ગણવેશ વિશે સરસ વાત કરતા કહ્યું કે શા માટે આપણે ગણવેશને આટલું પ્રાધાન્ય આપીએ છીએ ! હું નાના નાના ટાબરીયાઓને રોજ સવારે જોઉ ત્યારે મને થાય કે, આ બધા પતંગીયાઓને પકડી પકડીને એક બોટલમાં ભરી દીધા હોય ને એવું લાગે ! એ નીશાળ નથી. એ જેલખાનું છે. શિક્ષકની કિંમત માત્ર વિઘાર્થી જ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.