ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા ભારત સામે બોર્ડર- ગાવસ્કર ટ્રોફી રમવા જઈ રહ્યું છે. તેના પહેલા ફિન્ચની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા છે. 36 વર્ષીય ફિન્ચ જોકે બિગ બેશ લીગ અને ડોમેસ્ટિક ટી20 મેચોમાં રમવાનું ચાલુ રાખશે.
ભારત સામેની બોર્ડર -ગાવસ્કર ટ્રોફી પૂર્વે જ ઓસ્ટ્રેલિયાને ઝટકો, ફિન્ચે 5 ટેસ્ટ, 146 ઓડીઆઈ અને 103 ટી 20 મેચ રમ્યા, પોતાની કપ્તાનીમાં ટીમને ટી 20 વર્લ્ડ કપ પણ અપાવ્યો
ફિન્ચે પોતાની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 ઓડીઆઈ અને 103 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 76 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરનાર તે એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેણે તેની 103 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34.28ની એવરેજથી રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 142.5 હતો.
વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામે તેણે 76 બોલમાં 172 રન બનાવીને એક અલગ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારત સાથેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
પોતાની નિવૃત્તિ અંગે ફિન્ચે એક નિવેદનમાં કહ્યું કે મને એવી લાગણી છે કે હું હવે 2024નો ટી 20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. આવી સ્થિતિમાં, નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે જેથી ટીમ તેની ભાવિ રણનીતિ પર કામ કરી શકે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો. તે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર કે જેમણે સતત સમર્થન આપ્યું. 2021માં ટી 20 વર્લ્ડ કપ અને 2015માં ઓડીઆઈ વર્લ્ડ કપ જીતવો મારી કારકિર્દીની સૌથી ખાસ યાદો બની રહેશે. આ 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું, કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે.
ફિન્ચની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ફિક્સ માનવામાં આવી રહી હતી. તેણે ગયા વર્ષે ઓડીઆઈ ક્રિકેટને પણ અલવિદા કહ્યું હતું અને 2018માં છેલ્લી ટેસ્ટ રમી હતી. તેમની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટી20 વર્લ્ડ કપ 2021 જીત્યો હતો. જો કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની ધરતી પર ટી20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શકી ન હતી. ફિન્ચે આ જ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી ટી20 મેચ પણ રમી હતી જ્યારે તેણે આયર્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 42 રને જીતમાં 63 રન બનાવ્યા હતા.
ફિન્ચે ઓસ્ટ્રેલિયા માટે 5 ટેસ્ટમાં 278 રન, 146 વનડેમાં 5406 રન અને 103 ટી20માં 3120 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને 19 અડધી સદીનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ, તેણે 17 ઓડીઆઈ સદી અને બે ટી20 સદી સહિત તમામ ફોર્મેટમાં 8804 રન બનાવ્યા છે. તેણે રેકોર્ડ 76 ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી હતી. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ તેના નામે છે. જ્યારે તેણે 2018માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે 76 બોલમાં 172 રન બનાવ્યા હતા. ફિન્ચ ICC ઓડીઆઈ વર્લ્ડ કપ 2015 જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ હતો.