દેશમાં કોરોના વાયરસના કેસની વધતી સંખ્યા સાથે પ્રાણવાયુ માટે તરફડતા લોકો પણ સરકાર સામે ચિંતાનો વિષય બની ગયા છે. જોકે, સરકાર પૂરતી આરોગ્ય સેવા પૂરી પાડવા હરકતમાં આવી ગઇ છે. “પ્રાણવાયુ”માં પ્રાણ પુરવા સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે કોરોના મહામારી સાથે સંઘર્ષ કરી રહેલા ભારતને મદદ કરવા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ આગળ આવ્યા છે. તેમણે પીએમ કેરેસ ફંડમાં 37 લાખ રૂપિયાની મદદ કરી છે.
આઈપીએલ 2021માં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે ભારતના ઘણા શહેરોની હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવને કારણે લગભગ 37 લાખની સહાયની જાહેરાત કરી છે. તેમણે જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પીએમ કેર્સ ફંડને 50 હજાર ડોલર આપવાનું નક્કી કર્યું છે, તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ‘ભારત એક એવો દેશ છે જ્યાં મને વર્ષોથી ઘણો પ્રેમ મળ્યો છે અને અહીંના લોકો પણ ખૂબજ પ્રેમાળ અને સપોર્ટિંગ છે. હું જાણું છું કે, દેશમાં કોરોના વાયરસને કારણે ઘણી બધી સમસ્યાઓ આવી છે, જેમાં સમગ્ર દેશની હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ પણ શામેલ છે. એવામાં હું ખેલાડી હોવાને કારણે પીએમ કેર્સ ફંડમાં સહાય રૂપે 50 હજાર ડોલર (લગભગ 37 લાખ રૂપિયા) આપવા ઈચ્છુ છું.’
Australian cricketer Pat Cummins contributes $50,000 to PM Cares Fund "specifically to purchase oxygen supplies for India's hospitals" pic.twitter.com/9OUDAeJnI9
— ANI (@ANI) April 26, 2021
તેમણે વધુમાં લખ્યું છે કે, હું મારા સાથી ખેલાડીઓને પણ મદદ માટે આગળ આવવા વિનંતી કરું છું. આ સમયે દરેક લોકો પોતાને અસહાય અનુભવી રહ્યાં છે. કદાચ મારાથી વિલંબ થયું હોય,પરંતુ આ માધ્યમથી અમે લોકોના જીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરીશું.’ આખરે તેણે લખ્યું કે, ભલે મારી મદદ મોટી ન હોય, પણ તે કોઈનું જીવન બદલી શકે છે.