ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના પ્રવાસની ૨૧ નવેમ્બરથી શરૂઆત થઈ રહી છે. દરમ્યાન ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે સ્લેજિંગ એવી વસ્તુ છે જેનાથી અમે દૂર રહેવા માગીએ છે અને ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છીએ છીએ.
એક કેપ્ટન તરીકે હું આમાં પડવા નથી માગતો, પણ હા, આની પહેલાંની ઑસ્ટ્રેલિયન ટૂરમાં મેં તેમના સ્લેજિંગનો જવાબ આપ્યો હતો. સાચું કહું તો હું મારું અને ટીમનું ધ્યાન ફક્ત રમત પર ફોકસ કરવા માગું છું. ઑસ્ટ્રેલિયન ટીમ હવે સ્લેજિંગ નથી કરતી. જો તેઓ સ્લેજ કરશે તો અમારે એનો જવાબ દેવાની જરૂર પડી શકે છે.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે મુંબઈમાં મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે અમારા બેટ્સમેન પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરશે. તેણે કહ્યું હતું કે અમારું ફોકસ અમારા બેટ્સમેનો સાથે મળીને પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરશે. અમારા બોલરો શાનદાર ફોર્મમાં છે અને ટેસ્ટમાં હરીફ ટીમની ૨૦ વિકેટ લઈ શકીશું.
અમે હાલમાં સારો પ્રોગ્રેસ કર્યો છે, પણ અમારે પર્ફોર્મન્સ હજી ઘણો સુધારવાનો છે. ખેલાડીઓએ જવાબદારી લઈને સારું પર્ફોર્મ કરવા આગળ આવવાનું છે. અમારે ટીમના ગોલ અનુસાર પર્ફોર્મ કરવાનું છે. અમારી ટીમે ઇંગ્લેન્ડની ટૂરમાં ઘણી ભૂલો કરી હતી જે રિપીટ નથી કરવાની.
દરેક બોલને કેવી રીતે રમવો એ કોઈ કહેવા નથી આવવાનું. ફીલ્ડ પર અમારે સમજી-વિચારીને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાના છે. શાસ્ત્રી એવી વ્યક્તિ છે જેની પાસે હું કોઈ પણ બાબતે સલાહ લેતાં અચકાતો નથી. ૨૦૧૪માં ઇંગ્લેન્ડની ટૂરમાં મેં ખરાબ પર્ફોર્મ કર્યું ત્યારે તેણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. તે ટીમના દરેક ખેલાડીને ખૂબ સપોર્ટ કરે છે. ભારત ઑસ્ટ્રેલિયામાં કયારેય ટેસ્ટ-સિરીઝ જીતી નથી શક્યું, આ વખતે જીતવાની સંભાવના વધારે છે.