બેઠકમાં અનેક મહત્વપૂર્ણ એમઓયુની સાથો સાથ બંને દેશોની નેવીને લઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે
ભૌગોલિક દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાનું મહત્વ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ છે ત્યારે વિશ્ર્વમાં જે અત્યંત મહત્વપૂર્ણ ખનીજો જે કહેવામાં આવે છે તેનો પુરતો જથ્થો અન્ય કયાંય નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળી રહ્યો છે. એવી જ રીતે ભારત ચીન, અમેરિકા, યુરોપની અવેજી ઓસ્ટ્રેલિયામાં શોધી રહ્યું છે. આવતીકાલ એટલે કે તા.૪ જુનનાં રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠકોનું આયોજન ડિજિટલ માધ્યમોથી થવા જઈ રહ્યું છે ત્યારે આ તકે વિવિધ ક્ષેત્રે એમઓયુ તથા મંત્રણા કરવામાં આવે તો નવાઈ નહીં. ભારતની જેમ ઓસ્ટ્રેલિયા પણ ડેમોક્રેટીક એટલે કે પૂર્ણ લોકશાહી દેશ હોવાથી ભારત માટે અમુલ તકો ઓસ્ટ્રેલિયામાં રહેલી છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારી વર્ચ્યુઅલ બેઠકમાં ખનીજ ટેકનોલોજી તથા મેડિકલ ક્ષેત્રે વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ શકયતા સેવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા અન્ય દેશોની સરખામણીમાં મહામારીથી ખુબ જ ઓછું અસરકારક સાબિત થયું છે ત્યારે ચીનની અવેજી ભારત પણ શોધી રહ્યું છે અને સાથો સાથ ઓસ્ટ્રેલિયા પણ શોધી રહ્યું છે. ચાઈના સાથેના સંબંધોમાં ખટાશ ઉદભવિત થતા ઓસ્ટ્રેલિયા ભારત માર્કેટ અત્યંત મહત્વપૂર્ણ છે.
વિશ્ર્વનાં અન્ય દેશોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો દેશ છે કે જયાં ૧૭ જેટલા અતિ મહત્વપૂર્ણ ખનીજો જોવા મળે છે જેનું વાર્ષિક મુલ્ય ૧.૭૭ લાખ કરોડ રૂપિયાનું આવ્યું છે. ઓસ્ટ્રેલિયા ભારત સાથેના વ્યાપારીક સંબંધો પૂર્વે ઓઝી તેમના કિંમતી ખનીજોની નિકાસ ભારતમાં કરવા તત્પર છે જે બંને દેશો વચ્ચેનાં વ્યાપારીક સંબંધોને અત્યંત ગાઢ બનાવશે અને મહત્વપૂર્ણ સાબિત થશે. આ પૂર્વે બંને દેશનાં નેતાઓ ચાર વખત મળી ચુકયા છે. પ્રથમ વખત કોઈપણ બે દેશ વચ્ચેની આ વર્ચ્યુઅલ બેઠક પ્રથમ બની રહેશે. ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ બેઠક સિંગાપોર સાથે માર્ચ ૨૦૨૦માં પણ કરી હતી. કુદરતી રીતે ઓસ્ટ્રેલિયા પાસે અનેકવિધ પ્રકારનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહ્યો છે. બીજી તરફ ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનશે તેવું પણ હાલ સ્પર્શ થઈ રહ્યું છે એવી જ રીતે મેડિકલ ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચેની વ્યાપારીક ભાગીદારી ખુબ જ હકારાત્મક પરીણામ આપશે. રાજકિય વિશેષજ્ઞો દ્વારા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેનાં વ્યાપારીક સંબંધો વધુ મજબુત થતા દેશની અર્થવ્યવસ્થા મજબુત થશે.
દ્વિપક્ષીય બેઠકમાં શિક્ષણને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે જેમાં બંને દેશો જરૂરીયાત મુજબનાં પ્રોજેકટોમાં રોકાણ કરી બંને દેશો વચ્ચે ટ્રેડ સંબંધોને વધુ વિકસિત બનાવશે. ભારત દેશ ફાર્મા ક્ષેત્રમાં પણ પોતાનું અહમ યોગદાન આપી રહ્યું છે જેનો સીધો જ લાભ ઓસ્ટ્રેલિયાને પણ થશે. રાજકિય વિશેષજ્ઞોનાં માનવા મુજબ આ દ્વિપક્ષીય બેઠક અનેક નવા રૂપ સાથે અને અનેક નવી તકો સાથે બંને દેશોનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે.