ડેવિડ વોર્નરે ધુઆધાર ઇનિંગ રમી મજબૂત સ્કોર ખડકયો: સ્ટાર્કે સ્ટમ્પ ઉખાડી નાખ્યા

ખતરનાક યોર્કર બોલીંગ માટે પ્રખ્યાત મિશેલ સ્ટાર્કે ફરી એકવાર પોતાના બોલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની ૨૨મી મેચમાં મિશેલ સ્ટાર્કે શ્રીલંકા સામે જબરદસ્ત યોર્કર ફેંક્યો હતો, જેના પર બેટ્સમેન પરાસ્ત થઈ ગયો હતો. મિશેલ સ્ટાર્કે ૧૧મી ઓવરમાં આ જબરદસ્ત બોલ ફેંક્યો, જે હવામાં અંદરની તરફ આવ્યો અને કુસલ પરેરા ચકમો ખાઈ ગયો. કુસલ પરેરાના સ્ટમ્પ ઉડી ગયા. આ સાથે જ પરેરા ૩૫ રન બનાવીને આઉટ થયો હતો.

૧૧મી ઓવર ફેંકવા આવેલા મિશેલ સ્ટાર્કના બીજા બોલ પર કુસલ પરેરાએ ખૂબ જ લાંબી સિક્સર ફટકારી હતી. સ્ટાર્કે બોલને આગળ ફેંક્યો હતો અને કુસલ પરેરાએ લોંગ ઓન પર ૮૪ મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. તેના બીજા જ બોલ પર સ્ટાર્કે શાનદાર યોર્કર બોલ ફેંક્યો અને કુસલ પરેરાના સ્ટમ્પ ઉડાવી દીધા હતા. આ સાથે જ સ્ટાર્કે તે છગ્ગાનો બદલો પણ લઈ લીધો. સ્ટાર્કે વાનેન્દુ હસારંગાની વિકેટ પણ લીધી હતી. આ ઝડપી બોલરે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોની સામે શ્રીલંકાના બેટ્સમેનો વધુ કમાલ કરી શક્યા નહીં. શ્રીલંકાને પહેલો ફટકો નિસંકાના રૂપમાં લાગ્યો હતો જેને પેટ કમિન્સે આઉટ કર્યો હતો. આ પછી અસલંકાએ શ્રેષ્ઠ સ્ટ્રોક રમીને ઓસ્ટ્રેલિયાને ચોંકાવી દીધું હતું. ફોર્મમાં ચાલી રહેલા આ બેટ્સમેને ૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૫ રન બનાવ્યા હતા. એડમ ઝમ્પાએ અસલંકાને આઉટ કર્યો હતો.

આવિષ્કા ફર્નાન્ડો પણ અસલંકાનો શિકાર બની હતી. ઝમ્પાએ તેની ૪ ઓવરમાં માત્ર ૧૨ રન આપીને ૨ વિકેટ લીધી હતી. પેટ કમિન્સને પણ તેના ખાતામાં ૨ વિકેટ મળી હતી, જોકે તેણે આ માટે ૩૪ રન આપ્યા હતા. શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં ૧૫૫ રન જ બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયાના બોલરો ઉપરાંત તેનો ઓપનર ડેવિડ વોર્નર પણ રંગમાં આવી ગયો છે. વોર્નરે શ્રીલંકા સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ડાબા હાથના બેટ્સમેને ૪૨ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા. કેપ્ટન ફિન્ચે પણ ૨૩ બોલમાં ૩૭ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને ૭ વિકેટે હરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.